News Continuous Bureau | Mumbai
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરીના સમાચાર સામે આવ્યા છે. જો કે, આ મામલો થોડા દિવસો જૂનો છે, જેને લગતી અપડેટ પોલીસે આજે મીડિયાને આપી છે. આ ઘટના બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે જૂહુમાં શિલ્પા શેટ્ટીના બંગલામાં ઘરફોડ ચોરીના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આરોપીઓ રીઢો ગુનેગાર છે. જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે ઘરમાંથી ખરેખર શું ચોરી થઈ છે તે હજુ જાણી શકાયું નથી કારણ કે અભિનેત્રી વિદેશમાં છે. પોલીસ અધિકારીએ કહ્યું, “આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શિલ્પાના ‘કિનારા’ બંગલાના હાઉસકીપિંગ મેનેજરએ ચોરીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો.
મે મહિનાથી ચાલતું હતું બંગલા માં કામ
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મુજબ મે મહિનાના અંતથી બંગલામાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. તે જ સમયે, અભિનેત્રી 24 મેના રોજ તેના પરિવારના સભ્યો સાથે વિદેશ ગઈ હતી. તેણે કહ્યું, “6 જૂને, જ્યારે હાઉસકીપિંગ મેનેજર અભિનેત્રીના બંગલાની મુલાકાત લીધી, ત્યારે તેને હોલ, ડાઇનિંગ રૂમ અને માસ્ટર બેડરૂમમાં દરેક જગ્યાએ ઘરનો સામાન પથરાયેલો જોવા મળ્યો. શિલ્પાની પુત્રીના બેડરૂમમાં આવેલ કબાટ પણ ખુલ્લું જોવા મળ્યું હતું. બાદમાં, મેનેજરે બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ની તપાસ કરી તેમણે કહ્યું કે, એક વીડિયોમાં માસ્ક પહેરેલ એક અજાણ્યો વ્યક્તિ સ્લાઈડિંગ બારી ખોલીને બેડરૂમમાં પ્રવેશતો અને સામાન ચોરી કરતો જોવા મળ્યો હતો.
આ રીતે પકડાયા ચોર
અધિકારીએ કહ્યું કે તેની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 457, 380, 511 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “પોલીસે શિલ્પાના બંગલા અને તેની આસપાસના વિસ્તારોમાં લગાવેલા 70 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. ઉપલબ્ધ પુરાવાના આધારે, શહેરના વિલે પાર્લે વિસ્તારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.”
આ સમાચાર પણ વાંચો: એક ઈવેન્ટ દરમિયાન ફીમેલ ફેન્સે શાહરુખ ખાન સાથે કંઈક એવું કર્યું, જેને જોઈને લોકો થયા ગુસ્સે થયા, જુઓ વાયરલ વિડીયો