News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના મોત કેસમાં સ્પેશિયલ CBI કોર્ટનો આજે નિર્ણય આવ્યો છે. કોર્ટે શુક્રવારે મુખ્ય આરોપી, અભિનેતા અને જિયા ખાનના પૂર્વ બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ પંચોલી તેની માતા ઝરીના વહાબ સાથે CBI કોર્ટ પહોંચ્યો હતો. આખરે દસ વર્ષ બાદ આદિત્ય પંચોલીના પુત્રને આ કેસમાં રાહત મળી છે. મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એએસ સૈયદે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે પુરાવાના અભાવે આ કોર્ટ તમને (સૂરજ પંચોલી)ને દોષિત ઠેરવી શકે નહીં. તેથી તમે નિર્દોષ છો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં 25 વર્ષની જિયા ખાને જુહુના એક ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. અભિનેત્રીની માતા રાબિયા ખાન છેલ્લા દસ વર્ષથી પોતાની પુત્રી માટે ન્યાયની માંગ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સૂરજ પંચોલી પર જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જિયાની માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યો હતો કે પુત્રીની હત્યા કરવામાં આવી છે. હત્યાનો મામલો પણ સીબીઆઈએ કોર્ટમાં ફગાવી દીધો હતો. આવી સ્થિતિમાં કોર્ટે એ પણ સ્વીકાર્યું કે જિયા ખાને આત્મહત્યા કરી છે અને તેની હત્યા નથી થઈ. જસ્ટિસ એએસ સૈયદનો આ નિર્ણય પુરાવાના અભાવે આવ્યો છે. કોર્ટના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સૂરજ પંચોલીએ જીયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો તે સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે રાબિયા ખાન હાઈકોર્ટમાં જશે
‘નિશબ્દ’ અને ‘ગજની’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયને સાબિત કરનારી જિયા ખાને 25 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. 3 જૂન 2013ના રોજ, જિયા ખાને મુંબઈમાં તેના જુહુ ફ્લેટમાં આત્મહત્યા કરી. અભિનેત્રીના ઘરેથી 6 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ મામલો 10 વર્ષથી કોર્ટમાં હતો. શુક્રવારે જિયા ખાનની માતા રાબિયા પણ કોર્ટમાં હાજર રહી હતી. તે આ નિર્ણયથી દેખીતી રીતે નાખુશ હતી. કાયદા પ્રમાણે રાબિયા ખાન હવે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે. જિયા ખાનના મૃત્યુ પછી, પોલીસે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીની પણ ધરપકડ કરી હતી, જોકે તેને પછીથી જામીન મળી ગયા હતા. સૂરજ પંચોલી પ્રખ્યાત અભિનેતા આદિત્ય પંચોલીનો પુત્ર છે. તેણે સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ ‘હીરો’થી ડેબ્યૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત, એક સાથે બે પાંચ નહીં પણ 11 ગાડીઓની થઇ જોરદાર ટક્કર, જુઓ વીડિયો..
માતા રાબિયાએ કહ્યું- આ હત્યા છે, હું હાર નહીં માનું
આદેશ આવ્યા બાદ જિયા ખાનની માતા રાબિયાએ કહ્યું, ‘હું શરૂઆતથી જ કહી રહી છું કે આ હત્યા છે. સીબીઆઈએ પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. જેના કારણે કોઈ પુરાવા મળ્યા નથી. જો સીબીઆઈએ ઈમાનદારીથી પોતાનું કામ કર્યું હોત તો પુરાવાના અભાવે સૂરજ પંચોલીને છોડવામાં ન આવ્યો હોત. મેં હાર માની નથી અને આ મામલાને આગળ લઈ જઈશ.
સૂરજ પંચોલીને આટલા દિવસો બાદ જામીન મળ્યા
21 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પછી આખરે 1 જુલાઈ, 2013 ના રોજ, અભિનેતાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.
જિયા ખાનનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
જિયા ખાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું કે અભિનેત્રીનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. એટલે કે મૃત્યુ આત્મહત્યાના કારણે થયું હતું. જિયાની માતા રાબિયા ખાને સૂરજ પંચોલી પર તમામ આરોપો લગાવ્યા હતા અને છેલ્લા દસ વર્ષથી તે પોતાની પુત્રીને ન્યાય મેળવવા માટે કોર્ટમાં લડત ચલાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં બેફામ બન્યા બાઈક રાઇડ્સર્સ, શહેરના આ વિસ્તારમાં લગાવી રેસ.. વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો..