News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં FIR નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. અભિનેત્રીએ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.
અસિત મોદી અને અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
ગયા મહિને અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ સેટ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેનું નિવેદન પણ નોંધ્યું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે.આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે અસિત મોદીએ તેનું યૌન શોષણ કર્યું હતું. શરૂઆતમાં તેણીએ કામ ગુમાવવાના ડરથી તેની અવગણના કરી હતી પરંતુ હવે તે સહન કરશે નહીં. મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું, ‘સૌથી મહત્વની બાબત એ છે કે હું આ પૈસા માટે નથી કરી રહી. હું માત્ર સત્ય અને વિજય માટે જ કરી રહી છું. તેણે સ્વીકારવું પડશે કે તેણે મારી સાથે ખોટું કર્યું છે અને હાથ જોડીને માફી માંગવી પડશે. તે મારી પ્રતિષ્ઠા અને સ્વાભિમાનનો પ્રશ્ન છે.’
અસિત મોદી એ આરોપ ને ગણાવ્યા હતા ખોટા
બીજી તરફ અસિત મોદીએ જેનિફર ઘ્વારા લગાવવામાં આવેલા આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું કે તે અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેણી તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. શોમાંથી કાઢી મુકવાને કારણે તે આવા આરોપો લગાવી રહી છે.હવે આ મામલે પોલીસે અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
આ સમાચાર પણ વાંચો: ‘આદિપુરુષ’ ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત