ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાનીઓએ પોતાની છબી સારી દેખાડવા માટે પ્રયત્નો કર્યા હતા. જેમ કે પૂર્વ અફઘાન સરકારના સૈનિકો, કર્મચારીઓ માટે આમ માફીની ઘોષણા કરી હતી, પણ હવે લગભગ દોઢ મહિના બાદ તાલિબાનનાં આ પગલાં દંભ સાબિત થયાં છે. તાલિબાનના લડાકુઓ દેશની ગલીઓમાં હિંસા અને ઉપદ્રવ મચાવી રહ્યા છે. આ લોકો પોતાના વિરોધીઓને પરેશાન કરી તેમની હત્યા કરી રહ્યા છે.
તાલિબાન સરકાર માટે તેના આ લડાકુઓનો ઉપદ્રવ હવે માથાનો દુખાવો બની ગયો છે. તાલિબાન લીડરશિપ ઇચ્છે છે કે દુનિયામાં તેમને માન્યતા મળે, પરંતુ તેમના સામાન્ય લડાકુઓ આ વાતથી અજાણ છે. લડાકુઓના અત્યાચાર બાબતે હાલમાં જ પાકિસ્તાનના રક્ષામંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબે તેમને ચેતવણી આપી હતી.
ઘણા અફઘાની પત્રકારોનું કહેવું છે કે તાલિબાની લડાકુઓ આ માફીની વાતને ગંભીરતાથી લેતા નથી. તેઓ બસ લડાઈ જ જાણે છે અને તેમણે આ જ વાત શીખી છે. તેઓ અનુશાસિત નથી. આ જ કારણે લીડરશિપ દ્વારા વારંવાર ના પાડવા છતાં લડાકુઓમાં કોઈ ફરક નથી દેખાઈ રહ્યો. જેથી તાલિબાન માટે એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે.