ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
પાકિસ્તાનમાં ઇમરાન ખાનનાં છેલ્લાં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ગધેડાની સંખ્યામાં દર વર્ષે એક લાખનો વધારો નોંધાયો છે. મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં અન્ય પ્રાણીઓનો વિકાસદર લગભગ સ્થિર રહ્યો છે. આ ત્રણ લાખ નવા ગધેડાઓના ઉમેરા સાથે પાકિસ્તાનમાં ગધેડાઓની કુલ વસ્તી 56 લાખને પાર પહોંચી ગઈ છે. આ સાથેગધેડાની વસ્તીની દ્દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
આર્થિક સર્વે 2020-21 મુજબ ગધેડા પાકિસ્તાનમાં એકમાત્ર પ્રાણી છે, જેની વસ્તી 2001-2002થી દર વર્ષે 1,00,000ના દરે વધી રહી છે. ઊંટ, ઘોડા અને ખચ્ચર સહિતનાં અન્ય પ્રાણીઓની વસ્તી 13 વર્ષથી સ્થિર છે. અગાઉ PML અને PPP સરકારનાં પાંચ વર્ષ દરમિયાન ગધેડાની વસ્તીમાં ચાર લાખનો વધારો થયો હતો. પાકિસ્તાન ગધેડા વેચીને પણ ઘણો નફો મેળવે છે. એટલું જ નહીં, ગધેડાઓની સારવાર માટે પાકિસ્તાનમાં પણ અલગ હૉસ્પિટલો બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચીન સાથેના કરાર મુજબ પાકિસ્તાન દર વર્ષે 80,000 ગધેડાઓ ચીનને મોકલે છે. જેનો ઉપયોગ માંસ અને બીજી ઘણી વસ્તુઓ માટે થાય છે. ગધેડાની ત્વચાનો ઉપયોગ ચીનમાં અનેક રીતે થાય છે. ત્વચામાંથી કાઢવામાં આવેલા જિલેટીનમાંથી પણ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. ચીનની ઘણી કંપનીઓએ પાકિસ્તાનમાં ગધેડા-વ્યવસાયમાં અબજો ડૉલરનું રોકાણ કર્યું છે. ગધેડાના ભાવ પાકિસ્તાનમાં જાતિના આધારે નક્કી કરવામાં આવે છે.