ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
તાજેતરમાં, જ્યારે ઇઝરાયલ તેના સૌથી ખરાબ સાંપ્રદાયિક ઝઘડામાં ફસાયેલું, ત્યારે કોઈએ વિચાર્યું નહિ હોય કે ખૂબ જ ટૂંકા સમયમાં જુદાં-જુદાં મંતવ્યો ધરાવતા રાજકીય પક્ષો ગઠબંધનની સરકાર પણ બનાવી શકે છે. ઉપરાંત એક મહત્વપૂર્ણ આરબ પક્ષ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે અકલ્પનીય છે.
120 સભ્યોની ઇઝરાયલની સંસદમાં માત્ર 61 સભ્યોના સમર્થનથી બનેલી આ સરકાર માટે એક પણ દિવસ સહેલો નહીં હોય અને સૌથી મહત્વની વાત એ છે કે સરકારમાં સામેલ આરબ પક્ષ રામ પણ આ સરકારનો જ ભાગ છે. ૧૯૪૮માં ઇઝરાયલના નિર્માણ પછી આ સર્વ પ્રથમ ઘટના છે કે ત્યાંની સરકારમાં આરબ પક્ષ પણ સામેલ થયો હોય.
ગુરુવારે આ દેશમાં જે ઐતિહાસિક રાજકીય પરિવર્તન થયું એની ચર્ચા આખું વિશ્વ કરી રહ્યું છે. આ પહેલાં, કોઈએ પણ આરબ નેતા અથવા પાર્ટીની યહૂદીઓના ઇઝરાયલની સરકારમાં જોડાવાની કલ્પના કરી નહોતી. આ પરિવર્તન પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર યુનાઇટેડ આરબ લિસ્ટ અથવા રામ પાર્ટીના વડા ડૉ.મનસૂર અબ્બાસ છે. તે જુવાનીથી જ રાજકારણમાં સક્રિય છે અને હિબ્રુ યુનિવર્સિટીમાં આરબ સ્ટુડન્ટ્સ કમિટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ડૉ. અબ્બાસ ઇસ્લામિક ચળવળની દક્ષિણ શાખાના ઉપપ્રમુખ પણ છે. જોકે તે ઇઝરાયલના ઉત્તરીય વિસ્તારના છે, પણ દક્ષિણના વિસ્તારોમાં તેમનો સારો પ્રભાવ છે. ઇઝરાયલના દક્ષિણ પ્રદેશોમાં તેમને ઘણા મત મળ્યા, જેના કારણે તેમની પાર્ટી તમામ અટકળોને નકારી સંસદમાં જગ્યા બનાવવામાં સક્ષમ થઈ હતી. ઇઝરાયલી ચૂંટણીના નિયમો મુજબ સંસદમાં જોડાવા માટે પક્ષને ઓછામાં ઓછા 3.25 ટકા મત મેળવવા જરૂરી છે. કોઈક સમયે આ નિયમ બનાવવાનું કારણ આરબ પક્ષોને સંસદમાંથી હટાવવાનું હતું, પરંતુ આને કારણે તેઓ એક થઈ ગયા હતા અને છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં તમામ આરબ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી.
જોકે, બાકીના આરબ પક્ષો સાથે અબ્બાસના વૈચારિક મતભેદો હતા અને તેમને છોડી દેવાનો નિર્ણય કર્યો. ઘણા લોકોએ આ નિર્ણયને આત્મઘાતી ગણાવ્યો હતો અને પ્રારંભિક તબક્કે એવું લાગ્યું હતું કે તે ન્યૂનતમ મત ટકાવારીના માપદંડ પર પણ સફળ થઈ શકશે નહીં, પરંતુ આ તમામ વાતોને અબ્બાસે ખોટી પુરવાર કરી બતાવી હતી. અબ્બાસ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને પણ ટેકો આપવા તૈયાર હતા, પરંતુ તેમના ગઠબંધનમાં જમણેરી પક્ષો તેમની પાર્ટી સાથે હાથ મિલાવવામાં અસહજતા અનુભવતા હતા. આ વિચાર પર ઇઝરાયલી આરબ વસ્તીને તૈયાર કરવી અને તેમનો ટેકો મેળવવાનું એક અશક્ય કાર્ય માનવામાં આવતું હતું, પરંતુ અબ્બાસ આમાં સફળ રહ્યા છે.
ઈઝરાયલમાં સદંતર યહૂદીઓ અને આરબ વચ્ચે ખૂબ જ સંઘર્ષ રહ્યો છે. બહુમતી યહૂદી વસ્તી ધરાવતા આ દેશમાં માત્ર ૨૧ ટકા જ આરબ વસ્તી છે. આ સંઘર્ષ ૨૦મી સદીમાં પેલેસ્ટાઇનમાં અગાઉની ઇન્ટરકૉમ્યુનલ હિંસાથી વિકસિત થયો હતો. 1948માં ઇઝરાયલના જન્મ સાથે આ સંઘર્ષ એક મોટો આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો.આરબ-ઇઝરાયલના સંઘર્ષમાં ઓછામાં ઓછા પાંચ મોટાં યુદ્ધો થયાં અને સંખ્યાબંધ નાની તકરાર થઈ.
આપને જણાવી દઈએ કે ૨૦૧૯થી લઈ અત્યાર સુધીમાં 4 સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષ બહુમત મેળવી શક્યો ન હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુની પાર્ટી પણ પૂર્ણ બહુમત મેળવી શકી ન હતી અને આખરે ૮ વિપક્ષના પક્ષોએ મળી ગઠબંધનની સરકાર બનાવી છે, જેમાં રામ પાર્ટીના મનસૂર અન્સારી પણ સામેલ છે. આ ગઠબંધનની સરકારને કારણે હવે ૧૨ વર્ષ પછી મોદીના ખાસ મિત્ર બેન્જામીન નેતાન્યહુની સત્તા છીનવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે જો આ સરકાર બને અને તેને ઇઝરાયલની સંસદ દ્વારા મંજૂરી મળશે તો એ સાંપ્રદાયિક રીતે વહેંચાયેલા દેશ માટે ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ અને પ્રયોગ સાબિત થશે. આ સરકારની વિશેષ વાત એ હશે કે એમાં સામેલ દરેક પક્ષનું પોતાનું વિશેષ મહત્વ હશે અને દરેકનો સહકાર ફરજિયાત રહેશે.