News Continuous Bureau | Mumbai
ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આર્થિક રીતે આ દેશ હવે બરબાદ થઈ ગયો છે અને દેશમાં ઈમરજન્સીની સાથે લોકડાઉન જેવા તુઘલકી આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકોને ખાવા-પીવાના પણ ફાંફાં પડી રહ્યા છે શ્રીલંકામાં આર્થિક કટોકટીની પરિસ્થિતિ થઇ ગઈ છે. ભયંકર હિંસાની પણ આશંકા છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાયબર સુરક્ષા અને ઈન્ટરનેટની ગવર્નન્સ પર નજર રાખનારી સંસ્થા નેટબ્લોક્સે પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
જાહેર કટોકટી લાદ્યા બાદ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવેલા અન્ય એક નિયમમાં, રાજપક્ષેએ કહ્યું કે કર્ફ્યુના કલાકો દરમિયાન કોઈએ બહાર નીકળવું જોઈએ નહીં અને જાહેર સ્થળોએ જવું જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું, ‘હું સમજું છું કે જાહેર વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવી જરૂરી છે.સાથે જ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ૨ એપ્રિલના રોજ સાંજે ૬ વાગ્યાથી ૬ એપ્રિલ સુધી કોઈ પણ વ્યક્તિ કોઈપણ જાહેર માર્ગ, રેલ્વે, જાહેર ઉદ્યાન, જાહેર મનોરંજન મેદાન અથવા અન્ય જાહેર મેદાન અથવા દરિયા કિનારે લેખિતમાં પરવાનગી વિના જવું નહીં. ઉલ્લેખનીય છે કે, શનિવારે સાંજે ૬ વાગ્યે કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ પણ રાત સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ
આ પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં ૧ એપ્રિલથી તાત્કાલિક અસરથી જાહેર કટોકટી જાહેર કરતી વિશેષ ગેઝેટ સૂચના જાહેર કરી હતી. માહિતી વિભાગે કહ્યું કે દેશવ્યાપી લોકડાઉન શનિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે. વિભાગે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિએ જાહેર સુરક્ષા વટહુકમ નિયમો હેઠળ ઉપરોક્ત સૂચનાઓ જાહેર કરી છે. એક નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે, “મારા મતે, શ્રીલંકામાં કટોકટી લાદવી એ જાહેર સુરક્ષા વ્યવસ્થા તેમજ સમુદાયોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની સપ્લાય જાળવવાના હિતમાં છે.