ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા સાથે જ પાકિસ્તાને તેની મેલી મુરાદ પાર પાડવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે અફઘાનિસ્તાન પર પોતાનો સકંજો જમાવાનું ચાલુ કરી દીધું છે, જેમા પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે પોતાની કરન્સીમાં જ વેપાર કરવાનો નિર્ણય લીધો છે, જેને તાલિબાન શાસને પણ માન્ય કરી નાખ્યું છે.
પાકિસ્તાનના કેન્દ્રીય નાણાપ્રધાન શૌકત તારીકે કહ્યું હતું કે તેમની સરકાર અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાની કરન્સીમાં જ વેપાર કરવાની છે. અફઘાનિસ્તાન પાસે ડૉલરની અછત છે, એથી પાકિસ્તાન પોતાની કરન્સી હેઠળ તેમની સાથે વેપાર કરશે.
તાલિબાનના રાજ બાદ હાલ અફઘાનિસ્તાનમાં હજી પણ અફરાતફરીનો માહોલ છે ત્યારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર પાકિસ્તાન સતત નજર રાખી રહ્યું છે અને ત્યાંની અર્થવ્યવસ્થા પાટે ચઢાવવામાં તેમને મદદ કરશે. એવું શૌકતે કહ્યું હતું. પાકિસ્તાને પોતાની એક ટીમ પણ અફઘાનિસ્તાન મોકલવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષોથી અફઘાનિસ્તાનનો કારભાર વિદેશથી મળતી નાણાકીય મદદથી જ ચાલતો હતો. તાલિબાનના શાસનની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરથી મળતી નાણાકીય મદદ પર પ્રતિબંધ આવી ગયો છે તેમ જ તેમની સંપત્તિ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. એથી તાલિબાનોએ આર્થિંક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એવા વખતમાં અફઘાનિસ્તાનમાં પોતાનો પગ વધુ મજબૂત કરવા પોતે આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે, છતાં પાકિસ્તાન અફઘાનિસ્તાનને મદદ કરવા આગળ આવી રહ્યું છે.
પાકિસ્તાનના નાણાપ્રધાનના કહેવા મુજબ આગામી સપ્તાહમાં અફઘાનિસ્તાન સાથેના વેપારનું પરિણામ જોવા મળશે. સરકાર પાકિસ્તાનનો જીડીપી ગ્રોથને ચાલુ આર્થિક વર્ષમાં ચાર ટકાથી વધારીને 4.8 ટકા કરવા માગે છે.