ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની મુલાકાત વ્હાઇટ હાઉસમાં થઈ હતી. એ વખતે અમેરિકાના પત્રકારોને બાયડનની એક વાતનું એવું માઠું લાગી આવ્યું કે તેમને મનાવવા માટે વ્હાઇટ હાઉસે બહુ મહેનત કરવી પડી.
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્હાઇટ હાઉસમાં ચાલતી વાતચીત દરમિયાન જો બાયડને ભારતીય મીડિયાનાં વખાણ કર્યાં હતાં. જે અમેરિકન પત્રકારોથી સહન ન થયાં. બાયડને કહ્યું હતું કે અમેરિકા કરતાં ભારતીય પત્રકારો મુદ્દાસર સવાલ પૂછે છે. ભારતીય મીડિયા વધુ સારી રીતે વર્તન કરે છે. આ સાંભળતાં જ અમેરિકન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી અને વિવાદ થઈ ગયો. પછી પોતાના બચાવમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એ વખતે કોરોના પર વાત કરવા માગતા હતા, પરંતુ અમેરિકાના પત્રકારો બીજા જ વિષયો પર સવાલ પૂછતા હતા.
જ્યારે માઠું લાગેલા અમેરિકાના પત્રકારોએ કહ્યું હતું કે અખબારના સ્વાતંત્ર્ય મામલે ભારતનો વિશ્વમાં 142મો નંબર છે. અમારી સરખામણી તમે ભારતની મીડિયા સાથે કરી જ કેવી રીતે શકો?