ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. એક તરફ અમેરિકા અને બ્રિટન પૂર્વ યુરોપમાં નાટોના હાથ મજબૂત કરી રહ્યું છે. તો બીજી તરફ રશિયા વિનાશકારી હથિયારને તૈયાર કરી રહ્યુ છે. યુદ્ધના ભણકારા વચ્ચે વ્લાદિમીર પુતિને પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો કિવ યુક્રેન પર ચાલી રહેલા તણાવ વચ્ચે નાટોમાં જોડાશે તો પરમાણુ યુદ્ધ થશે. પુતિનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ પોલેન્ડની સરહદ નજીક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિગ-૩૧ તૈનાત કર્યા છે. રશિયાએ એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની વાતચીત દરમિયાન યુક્રેન પર કોઈ ડીલ થઈ હોય.
રશિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફ્રાન્સે દાવો કર્યો છે કે યુક્રેન પર રશિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં યુક્રેનને છૂટ મળી છે. પુતિને આ વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશોએ અમારી ચિંતાઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી. મેક્રોને જણાવ્યું હતું કે પુતિને તેમને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં તણાવ ઉભો કરશે નહીં અને બેલારુસ પાસે ન તો કાયમી રશિયન બેઝ હશે કે ન તો કાયમી રશિયન લશ્કર તૈનાત હશે. રશિયાએ હજારોની સંખ્યામાં તેનું લશ્કર બેલારુસ મોકલ્યું છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને તેમના કેબિનેટમાં કર્યા ફેરબદલ, આ છે કારણ; જાણો વિગતે
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ ફ્રાન્સના નિવેદન પર જણાવ્યું હતું કે અહેવાલો ‘આવશ્યક રીતે ખોટા છે કારણ કે મોસ્કો અને પેરિસ વચ્ચે કોઈ પણ ડીલ કરવી અશક્ય છે.’ તેમણે કહ્યું કે રશિયાને એવું લાગી રહ્યું છે કે સમાધાન માટે કોઈ ઉકેલ નથી અને ચેતવણી આપી હતી કે તણાવ ઓછો કરવાની જરૂર છે કારણ કે તે દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પહેલા પુતિન અને મેક્રોન વચ્ચે કેટલાક કલાકો સુધી વાતચીત ચાલી હતી.
પુતિને ફ્રાન્સના પ્રમુખને કહ્યું કે તેઓ ફરી એકવાર એ વાત પર ભાર મૂકવા માગે છે કે જાે યુક્રેન નાટોમાં સામેલ થાય છે તો યુરોપીયન દેશો આપોઆપ રશિયા સાથે યુદ્ધમાં ખેંચાઈ જશે. પુતિને ચેતવણી આપી કે ‘ચોક્કસપણે નાટો અને રશિયા વચ્ચે લશ્કરી શક્તિ અજાેડ છે. અમે તેને સમજીએ છીએ. પરંતુ અમે એ પણ સમજીએ છીએ કે રશિયા એક મોટી પરમાણુ શક્તિ છે અને કેટલાક આધુનિક હથિયારો ઘણાને પાછળ છોડી શકે છે. આમાં કોઈ વિજેતા નહીં હોય અને તમે તમારી મરજી વિના આ વિવાદમાં ફસાઈ જશો.’