News Continuous Bureau | Mumbai
પાકિસ્તાની ટીવી જગતનો જાણીતો ચહેરો અને લૂઝ ટોક શોથી ઘર-ઘરમાં પ્રસિદ્ધિ પામેલા અનવર મકસૂદે પાકિસ્તાન લિટરેચર ફેસ્ટિવલમાં પોતાના દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ પર વ્યંગ કર્યો. અનવર મકસૂદે કહ્યું કે પઠાણ ફિલ્મ ભારતમાં સુપરહિટ થઈ છે પરંતુ સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં પઠાણ (ઇમરાન ખાન)નું એડવાન્સ બુકિંગ હિન્દુસ્તાની પઠાણ કરતા વધુ છે.
લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા અનવર મકસૂદે કહ્યું, ‘ભારતમાં પઠાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, પાકિસ્તાનમાં પઠાણ (ઇમરાન ખાન) વિરુદ્ધ FIR થઈ રહી છે. હાલમાં પઠાણની સફળતા નથી દેખાતી પરંતુ સાંભળ્યું છે કે આવનારી ચૂંટણીમાં પાકિસ્તાની પઠાણનું એડવાન્સ બુકિંગ ભારતીય પઠાણ કરતા વધુ છે. મારો દેશ પાકિસ્તાન વિશ્વમાં નમક (મીઠા)ના ઉત્પાદનમાં બીજા નંબર પર છે, પરંતુ તે નમકહરામ (વિશ્વાસઘાતી) પેદા કરનારાઓમાં પહેલા નંબરે આવે છે.
IMF સાથે પાકિસ્તાનની મંત્રણાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પૂર કરતાં પણ વધુ પાકિસ્તાન દેવામાં ડૂબી ગયું છે. IMF સાથેની વાતચીત પૂરી થઈ ગઈ છે અને એ લોકોએ મોંઘવારીને અનેક ગણી વધારીને અમારી સામે મૂકી દીધી. અમીરો પરેશાન છે કે ડૉલર મોંઘો થઈ ગયો અને ગરીબો પરેશાન છે કે રોટલી મોંઘી થઈ ગઈ.
પાકિસ્તાનની સરકારો પર સેનાના પ્રભાવનો ઉલ્લેખ કરતા અનવર મકસૂદે કહ્યું, ‘અમારી સેના ખૂબ જ પાવરફુલ છે, એટલા માટે દરેક સરકારમાં વડાપ્રધાન અને તમામ મંત્રીઓ તેમના ઇશારે નાચનારા જોકરો બની જાય છે. ડુગડુગી હલાવીને કોઈ એમને કહે છે, ઓ જમહૂરા, ઉભો થા, તો તેઓ ઉભા થઈ જાય છે. અમે 75 વર્ષથી આ તમાશો જોઈ રહ્યા છીએ. દરેક સરકારે જેટલું પોતાનું ધ્યાન રાખ્યું, એનું અડધું પણ લોકો વિશે વિચાર્યું હોત તો પાકિસ્તાનમાં કોઈ વસ્તુની કમી ન હોત.’
આ સમાચાર પણ વાંચો: 31 માર્ચ સુધીમાં LIC પોલિસીને PAN સાથે જરૂર કરી લો લિંક, નહીં તો પછીથી પડશે મુશ્કેલી, શીખી લો સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ
તેમણે કહ્યું કે સેનાને મજબૂત બનાવવામાં પાકિસ્તાનની જનતાની ભૂલ છે. તેમણે કહ્યું કે, ’73 વર્ષમાં સેનાએ આપણા પર લગભગ 35 વર્ષ શાસન કર્યું, 35 વર્ષ પણ નહીં પરંતુ 74 વર્ષ સુધી સેનાએ અમારા પર રાજ કર્યું, આજે પણ કરી રહી છે. આમાં સેના કરતા ઘણી વધારે અમારી ભૂલ છે. સેના અમારી જરૂરત છે. આ લોકતંત્રમાં ખબર નહીં કેમ અમે સેનાની જરૂરિયાત બની જઈએ છીએ. ચૂંટણી થશે કે નહીં, એ વાત ન તો ચૂંટણી પંચ જાણે છે, ન સરકાર, ન અદાલત, ન ભગવાન જાણે છે. માત્ર સેનાને જ ખબર છે પણ તે કહી રહી નથી.’
 
			         
			         
                                                        