ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
પાકિસ્તાનના કરાચીમાં એક ગુજરાતી શાળાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોનો દાવો છે કે આ શાળા પર લાગેલા હિન્દુ નામને હટાવીને મલાલા યુસુફઝઈનું નામ રાખવામાં આવ્યું છે.
શાળાના પ્રવેશદ્વારના આ ફોટોમાં શાળાનાં બે નામ દેખાઈ રહ્યાં છે. નાના બોર્ડ પરનું નામ “સેઠ કૂવરજી ખીમજી લોહાણા ગુજરાતી શાળા” છે. જ્યારે મોટા બોર્ડ પર લખ્યું છે “મલાલા યુસુફઝઈ સરકાર. કન્યા માધ્યમિક શાળા, મિશન રોડ, કરાચી”.
અહેવાલો મુજબ કરાચી શાળાના નામ બદલવાના વિવાદે સોશિયલ મીડિયાના પ્રત્યાઘાતની શરૂઆત થઈ ગઈ છે. પત્રકારો અને સામાજિક કાર્યકરો ઝુંબેશ બાદ સિંધ સરકાર શાળાનું મૂળ નામ ફરીથી રાખવા માટે સંમત થઈ ગઈ છે. આ શાળાનું નામ વર્ષ 2012માં નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈના માનમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ સિંધના શિક્ષણપ્રધાન સઈદ ગનીએ તાજેતરમાં કહ્યું હતું કે મૂળ નામ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
પાકિસ્તાનના પત્રકાર સંજય સધવાણી, સામાજિક કાર્યકર કપિલ દેવ અને મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝઇએ પણ સિંધના શિક્ષણપ્રધાનને ઇતિહાસનો આદર કરવા વિનંતી કરી હતી. શેઠ કુંવરજી ખીમજીનું કરાચીના ગુજરાતી-સિંધી સમાજમાં ખૂબ જ આદરણીય નામ છે. તેઓ પરોપકારી વ્યક્તિ હતા. તેમણે શિક્ષણ અને કરાચીના આધુનિકીકરણમાં ઘણું યોગદાન આપ્યું છે.
પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવે ટ્વીટમાં કહ્યું હતું કે 'ચાલો ઇતિહાસને બદલીએ નહીં' તેમણે શિક્ષણપ્રધાનને વિનંતી કરી હતી કે સરકારે અમારી આદર્શ મલાલાના સન્માન માટે નવી શાળાઓ ખોલવી જોઈએ. જ્યારે આ ટ્વીટ પર મલાલાના પિતાએ જવાબ આપ્યો હતો કે આપણે ઇતિહાસનું સન્માન કરવા માટે બંધાયેલા છીએ. માટે શાળાનું મૂળ નામ ફરીથી રાખવું જોઈએ. આ વાત માટે સિંધના શિક્ષણપ્રધાને સહમતી દર્શાવી હતી.
૮૩ વર્ષીય ઍડવોકેટ વી. એમ. ગણાત્રાએ ટ્વીટ કર્યું હતું કે, 'શેઠ કુવરજી ખીમજી લોહાણા ગુજરાતી શાળામાં તેઓ ધોરણ ચાર સુધી ભણ્યા હતા. તેમને શાળાના દિવસો અને કેટલાક શિક્ષકો યાદ છે. આઝાદી પૂર્વે તેમનો પરિવાર ભુજમાં સ્થળાંતરિત થયો હતો. ભારતીય મૂળના ફ્રેન્ચ પાકિસ્તાની અને કરાચી નજીકના જમશેદ ટાઉનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર મોહમ્મદ આરીફ આજકિયાએ જણાવ્યું હતું કે અગાઉ ઘણી ગુજરાતી શાળાઓ પાકિસ્તાનમાં હતી, પરંતુ વર્ષોથી તમામ બંધ થઈ ગઈ છે અને જે શાળાઓ કાર્યરત છે, ત્યાં સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. સિંધ પ્રદેશમાં 25 વર્ષથી રહેતા કચ્છના તબીબી પ્રેક્ટિશનર ડૉ. મહાદેવ લોહાણાએ જણાવ્યું હતું કે કરાચીમાં 20 લાખ ગુજરાતી ભાષી લોકો વસે છે. સિંધ સરકારે 1982માં તારવંતી બાઈને ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. જેઓ ગયા વર્ષે નિવૃત્ત થયાં છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે શિક્ષકો લાંબા સમય સુધી ગુજરાતીમાં ભણાવવાનું ચાલુ રાખી શક્યા નથી.
Join Our WhatsApp Community