ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
આયર્ન ડોમ બાદ હવે ઈઝરાયેલ મિસાઈલોને ખતમ કરવા માટે એક અનોખી દિવાલ બનાવવા જઈ રહ્યું છે. આ દીવાલ ઈંટો, પથ્થર કે લોખંડની નહીં પણ લેસરની હશે. ઈઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટે દેશની સુરક્ષામાં આ મોટા ટેક્નોલોજીકલ ફેરફારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયેલને લેસરોની દીવાલથી ઘેરવામાં આવશે, જેથી મિસાઈલોને વચ્ચેથી જ નષ્ટ કરી શકાય.
ઈઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટે મંગળવારે એક સુરક્ષા પરિષદમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલ દેશને રોકેટ
હુમલાઓથી બચાવવા માટે ઝડપથી લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં આ 'લેસર વોલ' દેશના દક્ષિણ ભાગમાં ઉભી કરવામાં આવશે. ઈઝરાયેલના PM એ પણ સ્વીકાર્યું કે આયર્ન ડોમ સિસ્ટમ ઘણી મોંઘી છે. ઈઝરાયેલની આ લેસર દિવાલ વિશે બહુ ઓછી માહિતી સામે આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને જમીન, હવા અને સમુદ્રમાં તૈનાત કરવામાં આવશે.
ઈઝરાયેલ આ લેસર વોલને તૈનાત કરીને તેના સૌથી મોટા દુશ્મન ઈરાન અને તેના સહયોગી હમાસને ચેતવણી આપવા માંગે છે. ગયા વર્ષે જૂનમાં, ઇઝરાયલે એરબોર્ન લેસર ગનની મદદથી ઘણી વખત ડ્રોન વિમાનોને તોડી પાડ્યા હતા. ઈઝરાયેલે આ શાનદાર સિદ્ધિને 'માઈલસ્ટોન' ગણાવી હતી. આ ઘાતક ઈઝરાયેલ સિસ્ટમ ડ્રોન, મોર્ટાર, રોકેટ, મિસાઈલ જેવી કોઈપણ ઉડતી વસ્તુને હવામાં મારવામાં સક્ષમ છે. ઈઝરાયલે આ કામ એવા સમયે કર્યું છે જ્યારે દુનિયામાં ભવિષ્યમાં ડ્રોન યુદ્ધનો ભય વધી રહ્યો છે.