News Continuous Bureau | Mumbai
જાપાનના વડા પ્રધાને વડા પ્રધાનના નિવાસસ્થાનનો એક પ્રાઇવેટ પાર્ટી માટે ઉપયોગ કરવા બદલ તેમના મોટા પુત્રને કાર્યકારી નીતિ સચિવ પદેથી હટાવી દીધા છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ સોમવારે જણાવ્યું કે પ્રાઇવેટ પાર્ટી માટે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઉપયોગ કરીને વિવાદોમાં ઘેરાયેલા તેમના પુત્ર શોટારો કિશિદા તેમના કાર્યકારી નીતિ સચિવ તરીકે રાજીનામું આપશે. વડાપ્રધાનના નિવાસસ્થાને શોટારો દ્વારા આયોજિત ખાનગી પાર્ટીના ફોટો એક મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે પછી જાપાનમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
શોટારો જાપાનના વડાપ્રધાનના મોટા પુત્ર છે. તેઓ તેમના પિતાના રાજકીય બાબતો પર કાર્યકારી નીતિ સચિવ છે. તેમણે ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર આપવામાં આવેલી નવા વર્ષની પાર્ટીમાં અન્ય લોકો સહિત તેમના કેટલાક સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો. સાપ્તાહિક મેગેઝિન ‘શુકન બુનશુન’માં પ્રકાશિત થયેલા ફોટોમાં શોટારો અને તેના સંબંધીઓ સીડી પર રેડ કાર્પેટ પર એ જ પોઝ આપતા દેખાયા, જે પોઝમાં વડા પ્રધાન તેમના કેબિનેટ મંત્રીઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટો આપે છે.
‘શોટારોએ જે કર્યું તે ખોટું હતું’
કેટલીક તસવીરોમાં શોટારો સંબંધીઓની વચ્ચે ઊભો જોવા મળ્યો હતો. કેબિનેટના સત્તાવાર જૂથ ફોટામાં, આ સ્થાન વડા પ્રધાન માટે આરક્ષિત હોય છે. અન્ય તસવીરોમાં મહેમાનો પ્રેસ કોન્ફરન્સમાં હોય એવી રીતે મંચ પર બેઠેલા જોવા મળ્યા હતા. વડા પ્રધાન કિશિદાએ સોમવારે રાત્રે પત્રકારોને જણાવ્યું કે, “રાજકીય બાબતોના સચિવ તરીકે, જે એક જાહેર પદ છે, શોટારોનું કાર્ય અયોગ્ય હતી અને મેં તેમને જવાબદાર ઠેરવવા માટે તેમને બદલવાનો નિર્ણય કર્યો છે.”
આ સમાચાર પણ વાંચો: મજા બમણી થઈ, હવે વોટ્સએપ પર 24 કલાક પછી પણ જોઈ શકાશે સ્ટેટસ, યુઝર્સ માટે આ ફીચર કર્યું લોન્ચ
મહેમાનોનું સ્વાગત કરીને નીકળી ગયા કિશિદા
કિશિદાએ જણાવ્યું કે અન્ય સચિવ, તાકાયોશી યામામોટો, ગુરુવારે તેમના પુત્રને રાજકીય બાબતોના કાર્યકારી નીતિ સચિવ તરીકે સ્થાન લેશે. કિશિદાએ સ્વીકાર્યું કે તેમણે મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ રાત્રિભોજન માટે રોકાયા ન હતા. અગાઉ મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ આ ઘટનાને ‘અયોગ્ય’ ગણાવી હતી અને વચન આપ્યું હતું કે નિવાસસ્થાનનો ફરીથી દુરુપયોગ કરવામાં આવશે નહીં.