News Continuous Bureau | Mumbai
અમેરિકામાં આવેલા ચક્રવાતે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે. તબાહી મચાવનાર આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. સોમવારે સમગ્ર અમેરિકામાં 3800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં બગડતી પરિસ્થિતિને જોતા 70 ટકા જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે તમામ પ્રકારની પરિવહન સુવિધાઓને પણ અસર થઈ હતી. અહીં ટ્રેન અને હવાઈ મુસાફરી રદ કરવી પડી હતી. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
બફેલો સહિતના વિસ્તારોમાં જ્યાં હિમપાતનો કહેર વરસેલો છે, ત્યાં ડ્રાઇવિંગ પ્રતિબંધ અમલમાં છે. અમેરિકામાં ચારે બાજુ જામી ગયેલી બરફની જાડી ચાદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમેરિકાના ટેનેસીમાં સોમવારે એક ધોધની તસવીરો પણ સામે આવી હતી, જે શિયાળા અને હવામાનના બર્ફીલા એટેકમાં 90 ટકાથી વધુ થીજી ગયો હતો. વોટરફોલને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટેલિકો પ્લેન્સમાં આવેલ બાલ્ડ રિવર ફોલ્સ મોટા પ્રમાણમાં બરફથી ઢંકાયેલો જોઈ શકાય છે.
વાહનોમાં થીજી ગયેલા મૃતદેહો મળી આવ્યા
અમેરિકામાં કુદરતના આ કહેરને કારણે ચારેબાજુ અરાજકતા ફેલાયેલી છે. કડકડતી ઠંડીના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. બરફની જાડી ચાદરને કારણે સર્વત્ર જનજીવન થંભી ગયું છે. આવી સ્થિતિમાં એક તરફ જ્યાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો બીજી તરફ બરફથી ઢંકાયેલા વાહનોમાં થીજી ગયેલા મૃતદેહો મળી રહ્યા છે. તોફાનની તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાર અને ઘરોમાંથી લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: BUDGET 2023: ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા જઈ રહ્યા છો તો રાહ જુઓ, નાણામંત્રી ઘટાડી શકે છે ટેક્સ
1983 પછીનું સૌથી ઓછું તાપમાન જોવા મળ્યું 25 ડિસેમ્બરે
ઉત્તર ભારતમાં આ દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકા અને જાપાનમાં પણ બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ સાથે ભારે પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ વેધર સર્વિસ અનુસાર, ફ્લોરિડાના મિયામી, ટેમ્પા, ઓર્લાન્ડો અને વેસ્ટ પામ બીચ પર 1983 પછીનું સૌથી ઓછું તાપમાન 25 ડિસેમ્બરે નોંધાયું હતું.
હિમવર્ષાને કારણે 7 લાખ ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં હિમવર્ષાને કારણે 7 લાખ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. ઠંડીથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કમાં બફેલો છે. અહીં 43 ઈંચ હિમવર્ષા થઈ છે. જેના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આટલું જ નહીં પાવર સ્ટેશન પર હિમવર્ષાના કારણે પાવર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અહીં ઠંડીના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે.
જાપાનમાં પણ ઠંડીનો કહેર
જાપાનમાં 14ના મોત જાપાનમાં પણ તીવ્ર ઠંડીએ વિનાશ વેર્યો છે. જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. 17 ડિસેમ્બરથી ઠંડી સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 87 લોકો ઘાયલ થયા છે. જાપાનના નિગાતામાં 1.2 મીટર સુધી હિમવર્ષા નોંધાઈ હતી. જેના કારણે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. લગભગ 2000 ઘરોની લાઇટો ગુલ થઈ ગઈ હતી. જયારે વહીવટીતંત્રે લોકોને જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.