ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે, અર્જુન જ્ઞાન તારામાં જ છે. હ્રદયમાં સાત્ત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય એટલે
હ્રદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાંબાઇના જીવનમાં લખ્યું નથી કે તેમના કોઇ ગુરુ છે, કે કોઈના ઘરે તેઓ શાસ્ત્ર
ભણવા ગયા છે. તુકારામ મહારાજ પણ કોઈના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી. હ્રદયમાના લોભને મારો, એટલે કપિલ ભગવાન
આપોઆપ આવશે.
જ્ઞાનનો શત્રુ છે હિરણ્યાક્ષ. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો છે, તેમાં રહસ્ય છે. જ્ઞાનને બુદ્ધિમાં ટકાવવું હોય તો
હિરણ્યાક્ષને મારવો જ પડશે, હિરણ્યાક્ષ પછી કપિલ ભગવાન આવે છે.
તમારા મનને પૂછશો કે ઈશ્ર્વરે મને જે સંપત્તિ-સુખ આપ્યા છે તેને હું લાયક છું કે નહીં, તો જવાબ મળશે લાયક નથી.
લોભને સંતોષથી મારો. વધારે મેળવવાની ઇચ્છા કરશો નહિ. પાપ એટલા માટે થાય છે, કે મનુષ્ય માને છે કે પ્રભુએ મને ઓછું
આપ્યું છે. પાપ અટકે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થશે અને તો ઇન્દ્રિયોમાં જ્ઞાન ભક્તિ ટકશે. યજ્ઞાદિકર્મ, સત્કર્મથી શુદ્ધિ થાય
છે.ત્યારબાદ બ્રહ્મજ્ઞાન બુદ્ધિમાં ટકે છે.
પૂર્વ મીમાંસા પછી આ ઉત્તર મીમાંસાનો આરંભ કર્યો છે. ઉત્તર મીમાંસામાં જ્ઞાન પ્રકરણ છે, કપિલમુનિ જ્ઞાનનો અવતાર
છે.
સ્વાયં ભુવમનુની રાણીનું નામ શતરૂપા. મનુમહારાજને ત્યાં બે બાળકો થયા. તેમના નામો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.
ત્રણ કન્યાઓ થઈ. તેમના નામો આકૂતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ. તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કર્દમને અને પ્રસૂતિ દક્ષને
પરણાવી, દેવહૂતિનું લગ્ન કર્દમઋષિ સાથે થયુ હતું. તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા.
વિદુરજી કહે છે:-હે મૈત્રેયજી, આપ કર્દમ અને દેવહૂતિના વંશની કથા કહો. કપિલ ભગવાનની કથા મને સાંભળવાની
ઇચ્છા છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૯
મૈત્રેયજી કહે છે:-કપિલ બ્રહ્મજ્ઞાનનું સ્વરૂપ છે. કર્દમ થશો તો તમારે ઘરે કપિલ આવશે. કર્દમ=ઈન્દ્રિયોનું દમન કર.
ઇન્દ્રિયોનું દમન કરે છે એ કર્દમ. કર્દમ એટલે જિતેન્દ્રિય. મનુષ્ય કર્દમ બને નહિ, ત્યાં સુધી કપિલ મળે નહિ. શરીરમાં
સત્ત્વગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે, જ્ઞાન પ્રગટે છે.
જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્ત્વગુણ વધવાથી થાય છે. સત્ત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચારથી વધે છે.
સત્ત્વગુણ વધારશો તો જ્ઞાન મળશે. સત્ત્વગુણ વધે છે સંયમથી-સદાચારથી. સત્ત્વગુણ વધારવાથી અંદરથી જ્ઞાન સ્ફૂરણ થાય
છે, જીભ સુધરે તો જીવન સુધરે છે. લૂલી માગે તે તેને આપશો નહિ. પથારીમાં પડયા પછી બે ચાર મિનિટમાં ઉંધ આવશે, એમ
લાગે ત્યારે જ પથારીમાં પડો. પથારીમાં પડ્યા પછી ઉંઘ નહિ આવે તો, જીવ કામસુખનું ચિંતન કરશે. ઘરનાં કામ પૂરા કર્યાં પછી,
ગોપીઓ કૃષ્ણકીર્તન કરતી. જીવનને સાત્ત્વિક બનાવો.
જિતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું
સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે.
શુકદેવજી રાજર્ષિને વર્ણન કરે છે:-રાજન્, કર્દમઋષિ આખો દિવસ તપ કરે છે. કર્દમઋષિએ તપ કર્યું, તેથી ભગવાન
પ્રસન્ન થયા. કર્દમને ત્યાં ભગવાન પધાર્યા, વિદુરજીને ત્યાં દ્વારકાનાથ ગયા છે.
ભગવાન શ્રીકૃષ્ણ સર્વ રીતે ઉદાર છે. પણ સમય આપવામાં ઉદાર નથી. સુવર્ણ કરતાં સમયને કીમતી ગણો. હ્રદયને
લક્ષમાં રાખો તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો માનવ સઢ વગરના વહાણ જેવો છે.
કર્દમ જિતેન્દ્રિય મહાત્મા છે. કર્દમઋષિની તપશ્ર્ચર્યા સફળ થઈ. ભગવાન નારાયણ કર્દમ પાસે પ્રગટ થયા છે.
સિદ્ધપુર પાસે કર્દમઋષિનો આશ્રમ છે. કર્દમે ખૂબ તપશ્ચર્યા કરી. શરીરનાં હાડકાં જ બાકી રહ્યાં છે. કર્દમની તપશ્ર્ચર્યા જોઈ,
પ્રભુ પ્રસન્ન થયા, આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યાં. તેનું થયું બિદું સરોવર, સિદ્ધપુરની જાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન
કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો
વાંધો નહિ. પણ સાવધાન રહેજો, કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ
વેડફી નાંખશો નહિ. સંસારનું સૌન્દર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. એક ભાઈ કહે કે કાશ્મીર સુંદર છે.
જોવું હોય તો અમારી સાથે ચાલો, કાશ્મીર કરતાં કાશ્મીર બનાવનાર પરમાત્મા વધુ સુંદર છે.