પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સાત દિવસમાં જ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ સૂતેલાં છે.
તેને જાગૃત કરવાનાં છે, આગળ કથા આવશે કે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલા છે. સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત
કરી ભક્તિરસ ઉત્પન્ન કરવા માટે કથા છે.
એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.
સૂતજીએ કહ્યું કે સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુકિત મળી, તે કથા હું તમને સંભળાવુ છું. સાત દિવસમાં
પરીક્ષિતને મુક્તિ મળી. પરીક્ષિતને ખાત્રી હતી કે સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. આપણે કાળને ભૂલી જઇએ છીએ.
વકતા, શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી હોય તો સાત દિવસમાં મુક્તિ મળે છે. વકતા અને શ્રોતા
બંને અધિકારી હોવા જોઇએ. વીજળીનો કરંટ અને લાઈટનો ગોળો બંને સારા હોવા જોઇએ. વકતા અને શ્રોતા અધિકારી હોય તો,
આ કથા મુક્તિ અપાવે છે.
કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. પરીક્ષિતજીને સદ્ગતિ મળી. પરીક્ષિતજી વિમાનમાં બેસીને પરમાત્માના
ધામમાં ગયા છે. આજકાલ લોકો કથા બહુ સાંભળે છે, પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી? વિમાન આવતું નથી
તેનુ એક જ કારણ છે કે વકતા અને શ્રોતા અધિકારી નથી. મનુષ્ય જયાં સુધી વાસનાઓમાં ફસાયેલો છે, ત્યાં સુધી વિમાન
આવતું નથી. અને વિમાન આવે તો પણ તે વિમાનમાં બેસવાનો નથી. કદાચ સ્વર્ગમાંથી વિમાન લેવા આવે, તો મનુષ્યની
જવાની તૈયારી કયાં છે? આપણે બધાં વિકાર અને વાસનામાં ફસાયેલાં છીએ. મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ઘર વગેરેમાં ફસાયેલો
છે. આ આસક્તિ જયાં સુધી નહિ છૂટે ત્યાં સુધી મુક્તિ નથી. જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તેને જયાં બેઠો છે ત્યાં જ
મુક્તિ છે. તેને માટે વિમાન આવે તો પણ શું અને ન આવે તો પણ શું? ઈશ્વર સાથે તન્મયતા સાધતાં જે આનંદ મળે, તેથી
વિશેષ આનંદ વૈકુંઠમાં નથી.
તુકારામજીને લેવા વિમાન આવ્યું. તુકારામજી પોતાની પત્નીને કહે છે કે આ જીવનમાં હું તને કાંઈ સુખ આપી શક્યો
નથી. પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે, તને વિમાનમાં બેસાડીને પરમાત્માનાં ધામમાં લઈ જાઉં, ચાલ મારી
સાથે. પરંતુ પત્નીએ માન્યું નહિ અને મહારાજને કહ્યું, મહારાજ તમારે જવું હોય તો જાવ, મારે જગતને છોડીને આવવું નથી. અને
તે ગઈ નહિ. સંસારનો મોહ છોડવો કઠણ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧
વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે, તો જીવન
મધુર બની જશે. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.
વાસનાઓ મનથી ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. લોકો
તનની ને કપડાંની કાળજી રાખે છે, પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે
આવવાનું છે, તેની કાળજી રાખજો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહિ, મર્યા પછી હાથની આંગળીમાં વીંટી હશે, તે પણ
લોકો કાઢી લેશે.
આચાર-વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી, અને મનની શુદ્ધિ થાય નહિ, ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી. જ્ઞાન-
વૈરાગ્યને જાગૃત કરવા માટે આ ભાગવતની કથા છે.
જીવનમાં સંયમ, સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાનું જ્ઞાન કાંઇ કામ લાગશે નહિ.
કેવળ જ્ઞાન શા કામનું? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો, ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને
ઉપદેશ આપે છે. આત્મા અમર છે. મરણ શરીરનું થાય છે, તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઠીક નથી.
થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો. સાધુને રડતો જોઈ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે
તમે તો મને ઉપદેશ આપતા હતા કે કોઇના મરણ માટે શોક કરવો નહિ. ત્યારે તમે કેમ રડો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો
પણ બકરી મારી હતી તેથી રડું છું. આવું ‘પરોપદેશે પાંડિત્યમ્’ શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાન
ઉપયોગી છે.