પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મનુષ્ય પ્રેમપાત્ર ક્ષણે-ક્ષણે બદલે છે. પરંતુ કયાંય તેને સંતોષ, શાંતિ મળતાં નથી. બાલ્યાવસ્થામાં મા ઉપર પ્રેમ કરે
છે. જરા મોટો થતાં મિત્રો ઉપર પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે છે. વખત જતાં તે જ વહાલી પત્ની ઉપર
અણગમો આવે છે અને કહે છે કે મેં લગ્ન કર્યા એ જ મોટી ભૂલ કરી છે. ત્યારબાદ પુત્ર ઉપર પ્રેમ કરે છે. ત્યારબાદ પૈસા ઉપર પ્રેમ
કરે છે. વગેરે, માટે ઇશ્વરને પ્રેમનું પાત્ર બનાવો કે જેથી પ્રેમનું પાત્ર બદલવાનો પ્રસંગ કદી ન આવે.
ભાગવતશાસ્ત્ર વારંવાર સાંભળશો, તો પરમાત્મા સાથે પ્રેમ વધશે. આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે. પરંતુ ભગવાનને
સાધન માને છે અને સંસારના સુખને સાધ્ય માને છે. તેથી ભક્તિ ફળતી નથી અને લોકો દુ:ખી થાય છે. ભગવાનને સાધ્ય માનો,
સંસારના સુખને નહિ.
કથામાં હાસ્ય ગૌણ છે. કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્ર્વરને રાજી કરવા માટે છે. શ્રોતાઓના હ્રદયમાં જે શોક
જાગૃત કરે તે શુક. કથા શુદ્ધ હ્રદયે રડવા માટે છે. જીવનનો આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હ્રદયમાં જાગે તો આ કથા
સાંભળી સાર્થક. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય ન આવે, પાપ ન છૂટે તો એ કથા સાંભળી શું કામની?
ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. શ્રીમદ્ ભાગવતના શ્રવણ માત્રથી જ સદ્ગતિ મળે છે.
કથા શ્રવણનો લાભ આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહીને સંભળાવ્યો. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં ઠસતો નથી. તેથી આત્મદેવ
બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું. કથા એકલું રૂપક નથી. કથાની લીલા સત્ય છે, તેમાં રહેલું અધ્યાત્મ પણ સત્ય છે.
તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો.
આત્મદેવ પવિત્ર હતો. પણ આ ધુંધુલી સ્વભાવની ક્રૂર, પારકી પંચાત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવ નિઃસંતાન હતો.
સંતતિના અભાવે આત્મદેવ દુઃખી હતો. સંતતિના માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહિ. એટલે આત્મહત્યા
કરવાનો નિશ્ર્ચય કર્યોં, આત્મદેવે વન તરફ પ્રયાણ કર્યું, ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે આવ્યો. ત્યાં તેને એક મહાત્મા મળ્યા.
આત્મદેવ મહાત્મા પાસે ગયો અને રડવા લાગ્યો. મહાત્માએ આત્મદેવને દુ:ખનું કારણ પૂછ્યું. આત્મદેવ કહે છે, ખાવાનું ઘણું
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૭
મળ્યું છે, પણ ખાનારો કોઈ નથી. એટલે દુઃખી છું, તેથી મરવા માટે આત્મહત્યા કરવા અહીં આવ્યો છું. મહાત્માએ કહ્યું, તારા ઘરે
પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે. છોકરો ન થાય તો માનવું કે ઠાકોરજીએ પોતાને હાથે જ બધું વાપરવાનું તારા નસીબમાં લખ્યું
છે. એટલા માટે પુત્ર આપ્યો નથી. પુત્ર દુઃખરૂપ છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે, તેમાં સંતોષ માની ઇશ્વર સ્મરણ કરવું જોઈએ.
શ્રી તુકારામ મહારાજે કહ્યું છે કે:-ઢેવીલે અનંતે તૈસેચી રહાવે । ચિતી અસો ધાવે સમાધન ।।
ઇશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માનવો. એક વખત એકનાથ મહારાજ વિઠ્ઠલનાથ મંદિરમાં દર્શન કરવા ગયા.
એકનાથજીને લાયક પત્ની મળી હતી. તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે. એકનાથ મહારાજ કહે છે. મને સ્ત્રીનો સંગ આપ્યો
નથી, પણ સંત્સગ મળ્યો છે. તમે અનુકુળ પત્ની આપી છે. તેથી હું તમારું ભજન કરું છું. થોડીવાર પછી ત્યાં તુકારામ મહારાજ
દર્શન કરવા આવ્યા. તુકારામના ઘરમાં પત્ની કર્કશા હતી. તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો
ઉપકાર જ માને છે. આવી પ્રતિકૂળ પત્ની આપી છે તેથી હું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું. અનુકુળ પત્ની મળી હોત તો હું કયાં તમારું
ભજન કરવાનો હતો? તમે પ્રતિકૂળ પત્ની આપી છે એટલે તમારું ભજન કરું છું. સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ જ
પડત. તમને ભૂલી જાત તેથી હે નાથ સારું થયું. એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ અને તુકારામને પ્રતિકૂળ
પત્ની મળી છે તોય તેઓ ભગવાનનો ઉપકાર માને છે. પ્રતિકૂળતામાં પણ આનંદ. નરસિંહ મહેતાના કૂટુંબનો નાશ થયો છતાં
મહેતાજીએ તેમા આનંદ માન્યો. અને ગાયું ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.’
એકની પત્ની અનુકૂળ, બીજાની પત્ની પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ તો પણ આ ત્રણે મહાત્માઓ આનંદ માને છે.
વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે, મનને શાંત રાખવું એ મોટું પુણ્ય
છે.