પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
એક ગૃહસ્થનો નિયમ કે બાર વર્ષથી ભગવાનની કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને
બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય? તેમણે બ્રાહ્મણને કહ્યું, મારાથી કાલે કથા નહીં સંભળાય.
નિયમનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું, પરંતુ કથા સાંભળી એને કયાંક
સંસાર ઉપરથી વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું, તમે બાર વર્ષથી કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ન આવ્યો અને એક
દિવસની કથાથી છોકરાને શું વૈરાગ્ય આવી જશે? કેવી વાત કરો છો તમે? યજમાન કહે છે. અમે રોજ કથા સાંભળીએ છીએ પણ
મનની ગાંઠ છૂટતી નથી. આવું ન કરો. કથા સાંભળી મનની ગાંઠ છોડો.
જીવ સંસારસુખનો મનથી પણ ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. ભોગ છોડવા નથી અને ભક્તિ કરવી છે.
એ કેમ બને? તો ધીરે-ધીરે સ્વભાવને સુધારજો, સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે.
જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા આ ભાગવતની કથા છે.
પરમાત્માનાં ચરણનો આશ્રય લઇ મહાપાપી ધુંધુકારી દેવ જેવો બન્યો છે. ધુંધુકારીએ કહ્યું છે કે, આ કથાથી મારા જેવા
પાપીને પણ પરમગતિ પ્રાપ્ત થઈ છે.
ધુંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા. ગોકર્ણ પાર્ષદોને પ્રશ્ન પૂછે છે. એકલા ધુંધુકારી માટે વિમાન લાવ્યા,
બીજા કોઇ માટે વિમાન કેમ ન લાવ્યા?
પાર્ષદ કહે છે કે તે એક આસને બેસતો. ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. પ્રભુના ચરણમાં મનથી નિવાસ
કરવો એ ઉપવાસ. મોરિયો ખાવાથી કઇ પૂર્ણ ઉપવાસ થતો નથી.
કથા સાંભળવાથી એકલા ધુંધુકારીને જ કેમ મુક્તિ મળી? કથા ધુંધુકારીની જેમ સાંભળવી જોઇએ. તેણે કથાનું મનન
અને નિદિધ્યાસન કર્યું એટલે મુક્તિ મળી, શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી જ્ઞાન દૃઢ થાય છે.
અદૃઢં ચ હતં જ્ઞાનં પ્રમાદેન હતં શ્રુતમ્ ।
સંદિગ્ધો હિ હતો મન્ત્રો વ્યગ્રચિત્તો હતો જપ: ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૪
દૃઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. તેવી રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે. અને વ્યગ્રચિત્તે
કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી. સંદેહ કરવાથી, મન અને ચિત્તના અહીંતહીં ભટકવાથી જપ ફળદાયી થતા નથી. કથામાં
બેઠા હોય પણ મન ન હોય તો એ શ્રવણ શા કામનું? તે ફળદાયી થતું નથી, કથા સાંભળતી વખતે તન, મન અને ઘરનું ભાન
ભુલાઈ જવું જોઇએ. દેહ ગેહાત્મ વિસ્મૃતિથી, તન્મયતાથી કથા સાંભળવી જોઇએ. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું, એવી
ભાવના રાખો. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો, તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય
નકકી કરવું જોઇએ. ભાગવત માંથી ભગવાનની કથા સાંભળ્યા પછી એમાંથી કાંઇક લઈ જાવ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં
કોતરી રાખશો તો જીવનનો ઉદ્ધાર થશે. પોતાની પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી, જીવતા
જ ભાગવતમય જીવન જીવો તે ઉત્તમ છે.
બધાને ખાત્રી થઇ કે ધુંધુકારીની જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન
કરો તો તે ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તો પણ લાભ તો છે જ.
તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણે ફરીથી બીજીવાર કથા કરી. સર્વનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ
થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય લઈને ત્યાં પધાર્યાં છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો
મુક્તિ મળે. ભક્તિ મહારાણી આનંદિત થયાં અને જ્ઞાન વૈરાગ્ય સાથે નૃત્ય કરવા લાગ્યાં. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા
વૈરાગ્યને પુષ્ટ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે.
ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારાં કથા કીર્તનથી પ્રસન્ન થયો છું. મને આનંદ
થયો છે, તમે કોઈ વરદાન માંગો, તે વખતે સનતકુમારો કહે છે કે જે મનુષ્યો શ્રીકૃષ્ણકથા કરે, કીર્તન કરે તેવા વૈષ્ણવોના હ્રદયમાં
આપ બિરાજો. સર્વને સદ્ગતિ મળી છે.