પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય, તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચાં મોતીનો હાર
પહેર્યો છે. ગરીબ માણસે સાચાં મોતીનો હાર પહેર્યો હોય તો પણ ગરીબીને કારણે લોકો એમ માનશે કે તેણે ખોટાં મોતીનો હાર
પહેરેલો છે. તે પ્રમાણે જગત એ કૃત્રિમ મોતીની કંઠી છે. તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો પણ જગતને
ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે. યદ દ્રષ્ટમ્ તદ નષ્ટમ્ ।
ભાગવતના પહેલા સ્કંધના પહેલા અધ્યાયનો બીજો શ્ર્લોક એ ભાગવતની પ્રસ્તાવનારૂ૫ છે. ભાગવતનો મુખ્ય વિષય
કયો? ભાગવતનો અધિકારી કોણ? વગેરેનું વર્ણન આ શ્લોકમાં કહ્યું છે.
ધર્મ: પ્રોજ્ઝિતકૈતવોऽત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ્ ।
શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્ર્વર: સધો હ્રધવરુધ્યતેऽત્ર કૃતિભિ: શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત્ ।।
શ્રીમદ્ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોનો કેવળ ઇશ્વર આરાધનરૂપ,
નિષ્કામ, પરમધર્મ વર્ણવ્યો છે. તેમજ જે પરમાર્થરૂપ, જાણવા યોગ્ય, પરમસુખને આપનાર અને આધ્યાત્મિક, આધિભૌતિક
તથા આધિદૈવિક તાપને દૂર કરનાર છે, તે પરમાત્મારૂપ વસ્તુ આ શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ છે.
પ્રોજ્ઝિતકૈતવો ધર્મ:-જે ધર્મમાં બિલકુલ કપટ નથી, ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને
મળે એમ ઈચ્છે, એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ ક્ષમ્ય છે. સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકિને રામના
મંત્રનો જપ કરવાનું કહ્યું. વાલ્મીકિ ભૂલથી રામ રામને બદલે મરા મરા જપવા લાગ્યા મરા મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ
તેઓને મળ્યું.
અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે,
એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૧
સેવાનું ફળ સેવા છે. મેવા નહિ. મુક્તિની પણ આશા કરશો નહિ. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ-ભક્તિ. ભોગ
ભોગવવાની ઈચ્છા છે, ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી. તેને સંસાર વાહલો છે. કામસુખ
માટે ભગવાનની પ્રાર્થના ન કરો. ભોગ માટે નહિ, ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિનું ફળ ભોગ નથી. ભગવાન છે.
મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય? નહીં.
ભગવાન પાસે કેટલાક પુત્ર માંગે છે, કેટલાક પૈસા માંગે છે. ભગવાન વિચારે છે, મારું કામ કરવા કોઇ મંદિરમાં આવતા
નથી, પણ પોતાનું કામ મારા મારફત કરાવવા આવે છે. સાચો વૈષ્ણવ તો કહે છે, મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું
સમગ્ર, હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી.
વૈષ્ણવ કહે છે. હું તો એટલું જ માંગુ છું કે તમારી સેવામાં હું તન્મય બનું. માંગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે માટે
ભગવાન પાસે કંઈ માંગશો નહિ. ભગવાનને તમારા ઋણી બનાવજો. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક
વાનરને ભેટ સોગાદ આપી નવાજે છે, પરંતુ હનુમાનજીને તેઓ કંઇ આપતા નથી આ જોઇ સીતાજીને ગ્લાનિ થઈ. માતાજી કહે,
આ હનુમાનને પણ કાંઇ આપોને. રામજી કહે:-હનુમાનને હું શું આપું? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ
નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું છે:-
પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા.
શુદ્ધ પ્રેમમાં લેવાની નહિ, આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માંગે છે. જયારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માંગણી ન
હોય. પ્રેમમાં માંગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ભક્તિમાં માંગો એટલે માંગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન
જશે. આપવાવાળો જશે. ગીતાજી માં કહ્યું છેઃ-
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ।
સકામી ભક્તો જે જે દેવતાઓની પૂજા કરે છે, તે તે દેવતાઓ દ્વારા હું તેમને ઇચ્છિત ભોગો આપું છું. પરંતુ મારી જ
નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ ભગવાન મળશે
નહિ.