પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભગવાન પાસે જેટલું માંગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર
બીજા મિત્ર પાસે ન માંગે, ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ શ્રીકૃષ્ણને આપે છે. મન શ્રીકૃષ્ણને આપે છે.
મારે મારા પ્રભુ પાસે કાંઇ માંગવું નથી. મારું સર્વસ્વ મારે શ્રીકૃષ્ણને આપવું છે. ભગવાન પાસે માંગશો તો પ્રેમમાં ભંગ થશે. એમ
માનો કે પ્રભુએ મને ઘણું આપ્યું છે. ઘણાં દર વર્ષે ડાકોર જાય છે. રણછોડરાયને પ્રાર્થના કરે છે, મહારાજ છ વર્ષથી આપના દર્શને
આવું છું, હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી. ભગવાન કહે છે કે જા, તને બાબો આપ્યો, પણ હવે તારો અને મારો સંબંધ છૂટયો.
ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનવું કે મારા ઠાકોરજી પરિપૂર્ણ છે પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે.
નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ ન માંગે. મુક્તિ કરતાં
ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે આ આત્માને
બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. દાસી કરતાં મારા ભગવાન વધારે છે.
ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ન રાખો.
રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે:-માતાજીને કહો, તમારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું
મારા માટે તકલીફ નહિ આપું. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપવો, પરિશ્રમ આપવો.
માંગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજદાર માંગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ.
સુદામાની સ્થિતિ ગરીબ હતી, તેમની પત્નીએ તેમને શ્રીકૃષ્ણને ત્યાં મોકલ્યાં. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા
માગવા આવ્યા નથી. દ્વારકાનાથનો તેમણે વૈભવ જોયો પણ સુદામાએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું કે મને જોતાં જ મારા
કૃષ્ણની આંખમાંથી આંસું નીકળેલાં, તેમને મારા દુઃખની કથા સંભળાવીશ, તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારાં દુઃખ એ મારા
કર્મનું ફળ છે. મારું દુઃખ જાણી, મારા દુઃખ માટે મારા પ્રભુને વધુ દુઃખ થશે. એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માંગ્યું નહીં.
સુદામાને એક જ ઈચ્છા હતી, મારા પૌવા ભગવાન આરોગે તેની મારે ઝાંખી કરવી છે. સુદામા લેવા નહીં, પોતાનું સર્વસ્વ આપવા
આવ્યા છે. ઇશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે, ત્યારે ભગવાન તેની પૂજા
કરે છે. ભક્તિ નિષ્કામ હોય, તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય
છે, ત્યારે ભગવાન પણ ઇશ્વરપણું ભૂલે છે. દશ દિવસના ભૂખ્યા હતા તો પણ સુદામાએ પોતાનું સર્વસ્વ (મૂઠી પૌવા) ભગવાનને
આપી દીધું. સુદામાના પૌવા ભલે મૂઠી જેટલા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. પૌવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની
કિંમત હતી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૨
મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય, તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો.
ભગવાન પાસે કાંઇ માગશો નહિ, તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ કાંઇ માંગ્યું નથી
ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે.
ગોપીગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે અમે તમારી નિ: શુલ્ક દાસિકા છીએ. નિષ્કામ ભાવે સેવા કરતી
દાસીઓ છીએ.
કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે, ત્યારે પણ ગોપીઓ શ્રીકૃષ્ણ પાસે કાંઇ માંગતી નથી.ફકત એટલું જ ઇચ્છે
છે કે:-
સંસારકૂપપતિતોત્તરણાવલમ્બં ગેહઞ્જુષામપિ મનસ્યુદિયાત્ સદા ન: ।।
સંસારરૂપી કૂવામાં પડેલાંઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબનરૂપ આપનું ચરણકમળ, અમે ઘરમાં રહીએ તો
પણ, અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો.