પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
અભિમાન આવે એટલે પતન થાય છે, સતત દીનતા આવે એ જરૂરનું છે. સંભવ છે કે ઇશ્વર સંતમાં એકાદ દોષ ઈરાદા પૂર્વક રાખે છે. સંભવ છે કે ઇશ્વર પણ
પોતાના ભક્તમાં એકાદ દોષ રહેવા દે છે. મારા ભક્તને નજર ન લાગે. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે, એટલે
ગાલ ઉપર મેશનું ટપકું કરે છે. તેમ મનુષ્યમાં કોઇ દોષ ન રહે, તો તેના મનમાં અભિમાન આવે છે. તમારી દૃષ્ટિને ગુણમય
બનાવો. કોઇના દોષને જોશો નહિ. કોઈના પાપનો વિચાર કરશો નહિ, કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહિ.
સંત થવાનું એટલે શું ઘર છોડવાનું? ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને સંત
થઈ શકાય છે. ઘરમાં રહીને ઇશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ, એકનાથ, ગોપીઓ વગેરેએ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે.
ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી. કાળજું બદલવાની જરૂર છે. તે માટે મનને બદલવાની
જરૂર છે. મનના ગુલામ ન બનો. તેને નોકર બનાવો. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું, એટલે તેને શુકદેવજી મળ્યા.
બધું છોડવાની જરૂર નથી. બધું છોડવાથી નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે
તે સંત. માનવ જીવનનું લક્ષ્ય છે, પરમાત્મા મિલન. જે પ્રતિક્ષણે સાવધાન છે તે સંત.
આત્મા એ મનના સાક્ષી છે, દ્રષ્ટા છે. જેણે પોતાનું મન સુધાર્યું છે, એ સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો.
મનને સુધારવાની જરૂર છે. જગત બગડયું નથી. આપણું મન બગડયું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો. મન ઉપર અંકુશ રાખો. જે
દિવસે મન શુદ્ધ છે, ચારિત્ર્ય શુદ્ધ છે, એવી સાક્ષી આત્મા આપે, ત્યારે માનજો કે તમે સંત છો. મનને સુધારવાના અનેક ઉપાય
શાસ્ત્રમાં બતાવ્યા છે. મનને મુત્યુની બીક બતાવો તો તે સુધરશે. મુત્યુના સ્મરણથી મન સુધરે છે. મુત્યુના વિસ્મરણથી મન
બગડે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૨
પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે સાતમા દિવસે મરવાનો છું. તેણે તરત વિલાસી જીવનનો અંત લાવ્યો. વિલાસી જીવન
વિરકત જીવન થયું. પરીક્ષિતને મુત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુ:ખ ભયંકર છે. જીવ શરીર છોડે છે, ત્યારે
હજાર વીંછી એક સાથે ડંખ મારે ને જેટલી યાતના થાય તેટલી વેદના થાય છે.
જન્મદુ:ખં જરાદુ:ખં જાયાદુ:ખ પુન: પુન: ।
અન્તકાલે મહાદુઃખં તસ્માત્ જાગૃહિ જાગૃહિ ।।
જન્મ દુ:ખરૂપ છે. વૃદ્ધાવસ્થા દુ:ખમય છે વળી સ્ત્રી (સ્ત્રી, પુત્રાદિક કુટુંબ જાળ) દુ:ખરૂપ છે અને અંતકાળે પણ મોટું
દુઃખ જ છે, માટે જાગો, જાગો.
આ દુ:ખોને રોજ યાદ કરો, રોજ વિચારો. આજે યમદૂત મને પકડવા આવે તો હું કયાં જઈશ? નરકમાં, સ્વર્ગમાં કે
વૈકુંઠમાં, મુત્યુનું નિવારણ શકય નથી, તો પાપ શા માટે કરો છો? કેટલાક બહુ ડાહ્યા હોય છે. બશેર શાક લેવું હોય તો આખુ
બજાર ફરે છે. માથું ખંજવાળશે કારેલા લઉં કે ઘીલોડાં લઉં? જેનો વિચાર કરવાની જરૂર હતી તેનો વિચાર કર્યોં નહિ, અને
શાકભાજીના વિચાર કરે છે. મૃત્યુને રોજ યાદ કરો. મૃત્યુની બીક માથે રાખશો તો તમારું પાપ છૂટી જશે. અને જે દિવસે તમારું
પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો.
પાપ, પુણ્યના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુદેવ બધા સાક્ષીઓ છે. મારા ભગવાનના અનેક સેવકો છે.
તે, જ્યાં જાવ, ત્યાં સાથે જ આવે છે. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે, એકાંત ભલે હોય પણ વાયુ ત્યાં
છે. તારા અંતરમાં બિરાજતા પરમાત્મા ત્યાં છે.
યધપિ લોકે મરણ શરણં તદપિ ન મુંઞ્ચતિ પાપાચરણમ્ ।।
છેવટે મનુષ્ય આ લોકમાં મરણને શરણ થાય છે. તો પણ તે પાપી આચરણ છોડતો નથી.