પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પ્રસાદ પ્રસાદ કરતાં પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે. આ જીવ ભોગી છે,
યોગી નથી. એટલે ભગવાન છપ્પન ભોગ આરોગે તેમાં વાંધો નહિ. આપણાથી એવું ન થાય.
ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને જાય તો દુ:ખ થાય છે. પણ આપણે સમજીને વિષયોને
છોડીએ તો આનંદ આવે છે.
શુકદેવજીમાં સોળઆની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વકતા છે.
મહાપ્રભુજીએ કહ્યું છે, ભાગવતમાં સમાધિભાષા મુખ્ય છે. ઇશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે, તેને
ભાગવતનો અર્થ જલદી સમજાય છે. વ્યાસજીએ એક એક લીલાનાં પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ આંતરદૃષ્ટિથી આ બધું જોયું
છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે, લૌકિક આંખો અલૌકિક ઈશ્ર્વરને જોઈ શકે નહિ. બહારની આંખ
બંધ કર્યા પછી અંતરની આંખ ખૂલે છે, ત્યારે પરમાત્માનાં દર્શન થાય છે.
સૂતજીએ કહ્યું:-વ્યાસજીએ અઢાર હજાર શ્ર્લોકોના આ ભાગવત ગ્રંથ ની રચના કરી. વ્યાસજીને લાગ્યું, મારું અવતાર
કાર્ય હવે પૂરું થયું. મારા ભાગવતનો આશ્રય જે કરશે, તેને કલિનો ભય લાગશે નહિ. પરંતું વ્યાસજીને એક ચિંતા થઈ. ગ્રંથ તો મેં
તૈયાર કર્યો પણ તેનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે. આ ભાગવત પ્રેમશાસ્ત્ર છે. માયા સાથે, સંસાર સાથે,
પ્રેમ કરનારો આ ભાગવતશાસ્ત્રનો પ્રચાર કરી શકશે નહિ. જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય, એ જ આ ગ્રંથનો પ્રચાર કરી
શકશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૪
ભાગવત એ પરમહંસોની સંહિતા છે. શ્રીકૃષ્ણ એ મહાપરમહંસ છે. પ્રહલાદ, ભરત, વઋણદેવ બધા પરમહંસો છે.
એટલે નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકે. બહુ વિચારને અંતે, વ્યાસજીને લાગ્યું કે એવી યોગ્યતા તો મારા પુત્રમાં જ છે.
શુકદેવજીને રંભા પણ ચળાવી શકી ન હતી.
“નારીઓમાં શ્રેષ્ટ તો રંભા જ છે”.એમ જે કહેવાય છે તેવી રંભા શુકદેવજીને ચળાવવા આવી છે. શુકદેવજી એ કહ્યું છે:-
વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ્ ।
શુકદેવજી ઉત્તર આપે છે. વિષયભોગો નહિ ભોગવનારનું જીવન વૃથા નથી. સાંભળો દેવી કોનું જીવન વૃથા છે.
નારાયણ: પંકજલોચન: પ્રભુ: કેયૂરહારૈ પરિશોભમાન: ।
ભકત્યાયુતો યેન સુપૂજિતો ન યેન, વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ્ ।।
નીલકમલ સમાન સુંદર જેનાં નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેયૂરનો હાર આદિ અલંકારો શોભી રહ્યાં છે, એવા
સર્વાન્તર્યામી નારાયણ પ્રભુનાં ચરણકમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ, આવાગમનના ચક્રને મિટાવ્યું
નહિ, એવાઓનું આ મનુષ્યદેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું.
શ્રીવત્સ લક્ષ્મીકૃતહ્રત્પ્રદેશસ્તાર્ક્ષ્ય ધ્વજશ્ર્ચક્રધર: પરાત્મા ।
ન સેવિતો યેન ક્ષણં મુકુન્દો વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ્ ।।
જેના વક્ષ:સ્થળ ઉપર લક્ષ્મીજી શોભાયમાન છે. જેની ધ્વજામાં ગરુડજી બિરાજેલા છે, જે સુદર્શન ચક્રધારી છે, એવા
પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર પણ સ્મરણ કર્યું નથી, તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણવું.
રંભાએ જયારે સ્ત્રી શરીરનાં બહુ વખાણ કર્યાં, ત્યારે શુકદેવજીએ રંભાને કહ્યું:-સ્ત્રીનું શરીર આટલું સુગંધિત સુંદર હોઈ
શકે છે તે આજે જાણ્યું. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય, તો
તારા જેવી મા શોધીશ.
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતાં જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી તેવા
શુકદેવજી ઘરે આવે કેવી રીતે?