પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતાં જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી તેવા
શુકદેવજી ઘરે આવે કેવી રીતે?
શુકદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત તપશ્ચર્યા માટે વન તરફ તેમણે પ્રયાણ કર્યું. શુકદેવજી સદા
બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘરે આવે, તો હું ભાગવતશાસ્ત્ર એને ભણાવું
અને પછી તેઓ તેનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો.
શ્રીકૃષ્ણના સ્વરૂપનું વર્ણન ન થઇ શકે. ભગવાનના સ્વરૂપનો કોણ પાર પામી શકયું છે? યોગી લોકોનાં મન તેનો કાંઇક
અનુભવ કરી શકે. કારણ કે
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ ।
આનંદમ્ બ્રાહ્નાણો વિદ્ધાન્ ન બિભેતિ કદાચન ।।
તેનો પાર પામવા જતાં મન પણ વાણીની સાથે ત્યાંથી પાછું ફરે છે.
શ્રીકૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. જેના સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યાં છે, તે કનૈયો શુકદેવજી જેવા યોગીને શું
નહિ આકર્ષે? શુકદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે, તેમાંથી તેનું ચિત્ત હઠાવવા અને સગુણબ્રહ્મ તરફ તેને વાળવા
કૃષ્ણલીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઇએ. આ શ્લોકોની જાદુઈ અસરની, વ્યાસજીને ખાતરી થઈ હતી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૫
વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભસમિધા લેવા જાય છે. શિષ્યોને જંગલમાં હિંસક પશુઓની બીક લાગે છે. તેઓએ આ
વાત વ્યાસજીને કહી. વ્યાસજીએ કહ્યું:-જ્યારે તમને બીક લાગે ત્યારે આ ભાગવતના શ્લોક બોલજો. શ્રીકૃષ્ણ મારી સાથે છે એવો
વિચાર કરજો. ઇશ્વર સતત સાથે છે, તેવો જે અનુભવ કરે તે નિર્ભય બને છે. રાધારમણ શ્રીકૃષ્ણનું સ્મરણ કરો. તે પછી
ઋષિકુમારો જયારે વનમાં જાય ત્યારે બર્હાપીડમ્ વગેરે શ્લોક બોલે ત્યારે વનના હિંસક પશુઓ વાઘ, સિંહ બધા વેરને ભૂલી જાય
છે અને શાંત બને છે. પશુઓના મન પર આ શ્લોકો અસર કરે છે. પશુ ઉપર તેની અસર થતી હતી, પણ કરુણ વાત એ છે કે
આજે મનુષ્ય પર તેની અસર થતી નથી.
જે મંત્રોથી પશુઓને આકર્ષણ થયું, તે મંત્રોથી શુકદેવજીને આકર્ષણ શું નહિ થાય?
દેહભાન ન ભુલાય, ત્યાં સુધી દેવનાં દર્શન થતાં નથી. શુકદેવજી જયોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે. તેમને દેહભાન
નથી. શુકદેવજી પરમહંસોના આચાર્ય છે, તેથી બ્રહ્મચિંતન કરે છે.
શુકદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું, શુકદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે
ત્યાં તમે જાવ અને તેઓ સાંભળે તેમ આ બે શ્લોકોનું તમે ગાન કરો. આ શ્લોકો તેને સંભળાવો.
શુકદેવજીનું હ્રદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે.
આપણી હ્રદય દીવાલ ઉપર બહુ કાટ ચડયો છે. તે કાટને સાફ કરવાની જરૂર છે. તે સાફ કરો એટલે પરમાત્માનું
પ્રતિબિંબ તેમાં પડશે.
આપણા હ્રદયમાં હજારો જન્મોનો મેલ છે. તેથી હ્રદય દીવાલને ખૂબ ઘસો અને એ મેલને દૂર કરો, એટલે ભગવાનનું
પ્રતિબિંબ તેમાં પડશે. માટે શુદ્ધ બનો.
શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામસૃષ્ટિ પહેલી; રૂપસૃષ્ટિ પછી છે.