પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પરમાત્મા શ્રીકૃષ્ણને આરંભમાં વંદન કરો. આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે.
પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. જીવ બીજું કાંઈ ન કરે પણ તે પરમાત્માને વારંવાર વંદન
કરે, વંદન કરો તો સદ્ભાવથી કરો. પરમાત્માના મારા ઉપર અનંત ઉપકાર છે. પ્રભુએ આપણા ઉપર કેટકેટલા ઉપકાર કર્યા છે.
બોલવા, ખાવા જીભ આપી, જોવા આંખ આપી, સાંભળવા કાન આપ્યા, વિચાર કરવા મન આપ્યું, બુદ્ધિ અને વિચારશક્તિ
આપી, ઈશ્વરના ઉપકારોને યાદ કરો, કહો કે ભગવાન હું તમારો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. મારા પ્રભુએ મારા
ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારાં પાપ અનંત છે પણ નાથ, તમારી કૃપા પણ અનંત છે. ભાવપૂર્વક વંદન
કરો તો જ તે સફળ થાય.
વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું? નાથ, હું નાલાયક છું, પાપી છું, છતાં ઠાકોરજીએ મને
સંપત્તિ-આબરૂ જગતમાં આપ્યાં છે. જીવ લાયક નથી તો પણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે, નાથ, તમારા અનંત ઉપકાર છે.
નાથ, તેનો બદલો હું વાળી શકું તેમ નથી, માત્ર તમને વંદન કરું છું, વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે.
ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણ કે તેમનામાં અભિમાન નથી. શ્રીકૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોળાયા છે.
ભાગવતનો આરંભ વંદનથી કર્યોં છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. નમામિ હરિ પરમ્ ।
એકલા કૃષ્ણને વંદન કર્યા નથી. પણ કહ્યું છે. શ્રી રાધા કૃષ્ણાય વયં નમ: શ્રી નો અર્થ છે રાધાજી. શ્રી રાધાજી સાથે
બિરાજેલા ઠાકોરજીને હું વંદન કરું છું. પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી શુકદેવજીને વંદન કર્યા છે. વંદન કરી
તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા પછી કાંઇ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું. વાંચો અને વિચારો એના કરતાં
જીવનમાં ઉતારો તે શ્રેષ્ઠ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫
વેદોકા અંત નહિ ઓર પુરાણોંકા પાર નહિ. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી, પરંતુ તે એકને એટલે ઇશ્વરને
જાણો એટલે સઘળું જાણી જશો.
કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે.
સૂતજી કહે છે:-સાત દિવસમાં પરીક્ષિતે સદ્ગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા
સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? શ્રોતાએ પરીક્ષિત જેવા થવું જોઈએ અને વક્તાએ શુકદેવજી જેવા થવું જોઈએ. એમ થાય તો જ
ઉદ્ધાર થાય.
આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ કયાં
છે? કયાં છે? એમ વિચારી ઇશ્વરને સર્વમાં જોનાર જીવ એ પરીક્ષિત.
પરીક્ષિત એટલે ભગવાનનાં દર્શન માટે આતુર થયેલો છે તેવો જીવ.
પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં તેનું મૃત્યુ થવાનું છે. તક્ષક નાગ
કરડવાનો છે.
જીવમાત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે. કાળ
તક્ષક કાઈને છોડતો નથી. તે સાતમે દિવસે જ કરડે છે. વાર સાત છે. અને સાત વારમાંથી એક વાર તો અવશ્ય તે કાળ કરડવાનો
જ. આ સાતમાંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે. તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહિ.