પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સર્વને વહાલો પણ એ કોઇનો ન થનારો, એ સર્વથી ન્યારો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો
પ્રેમ અતિ દિવ્ય હતો. શ્રીકૃષ્ણ કહે છે, હું કોઈ સગાઈમાં માનતો નથી. પ્રેમ સગાઇમાં હું માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો
છું. મારો ભીષ્મ મને યાદ કરે છે.
ભીષ્મપિતામહ તે વખતે મૃત્યુ શૈયા પર પડેલા છે. તેના માટે તેનું મરણ સુધારવા, ભગવાન પાછા આવ્યા છે.
મહાત્માઓનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો હોય છે. તેથી તેઓની જન્મતિથિ ઉજવાતી નથી. પરંતુ
સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે. તેથી તેઓની મરણતિથિ ઉજવાય છે. મારો ભીષ્મ મને યાદ કરે છે, માટે પાછો
આવ્યો છું.
ભીષ્મપિતામહનું મરણ કેવી રીતે થાય છે તે જોવા મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે.
ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો. તેને સાંત્વના મળતી નથી, એટલે તેમને ભીષ્મ પિતા પાસે જવા કહે છે. બાણગંગાના
કિનારે ભીષ્મ સૂતાં છે ત્યાં બધા આવ્યા છે. ભીષ્મ, વિચારે છે કે કાળનો નહીં શ્રીકૃષ્ણને આધીન છું. ઉત્તરાયણમાં મારે
મરવું છે. ભીષ્મ પિતાએ કાળને કહ્યું, હું તારો નોકર નથી. હું મારા શ્રીકૃષ્ણનો સેવક છું. ભીષ્મ દ્વારકાનાથનું ધ્યાન કરે છે. મને
ભગવાને વચન આપેલું છે કે અંતકાળે હું જરૂર આવીશ, પણ તેઓ હજુ દેખાતા નથી. મારા નારાયણ આવે, તો તેમના દર્શન કરતાં
હું પ્રાણત્યાગ કરીશ. આમ વિચારે છે, તે જ વખતે ધર્મરાજા ત્યાં આવ્યા છે.
ભીષ્મ ધર્મરાજાને કહે છે:-શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરમાત્મા છે. તે તારું નિમિત્ત કરી, મારા માંટે આવ્યા છે. મારું મરણ
સુધારવા આવ્યા છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૪
ભીષ્મે, ભગવાનને વચનથી બાંધ્યા હતા. કૌરવ પાંડવ યુધ્ધ વખતે દુર્યોધન ભીષ્મપિતાને કહે છે:-દાદાજી, આઠ
દિવસ થયા કોઈ પાંડવને તમે મારી શકયા નથી. દાદાજી, તમે બરાબર લડતા નથી, ભીષ્મ આવેશમાં આવી ગયા. આવેશમાં
દુર્યોધનને કહ્યું, રાત્રે બાર વાગ્યે હું ધ્યાનમાં બેસુ, ત્યારે રાણીને આશીર્વાદ લેવા મોકલજે, હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ.
શ્રીકૃષ્ણને આ સાંભળી ચિંતા થઇ.
દાદાજી ઘરના છે. આજે જ જવાની શી ઉતાવળ છે? આવતી કાલે દર્શન કરીશ એમ માની ભાનુમતિ ગયાં નહિ.
મહાત્માઓ કહે છે કે તે વખતે શ્રીકૃષ્ણે દ્રૌપદીને જગાડી છે. એક સ્વરૂપે દ્રૌપદીને લઇને ભીષ્મપિતા પાસે ગયા.
ભીષ્મપિતા ધ્યાન કરે છે. આજે દ્વારકાધિશનું સ્વરૂપ દેખાતું નથી, પરંતુ કાળી કામળી, હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા
ભગવાન દેખાય છે. આજે ભગવાન દ્રૌપદીના સેવક થઈને આવ્યા છે. દ્વારપાળે અટકાવ્યા. કોઈ પુરુષ અંદર જઈ શકે નહિ તેવો
હુકમ છે. દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે. દુર્યોધનની પત્ની ભાનુમતિ આવી છે, એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે, અખંડ
સૌભાગ્યવતી ભવ.
દ્રૌપદીએ પૂછ્યું:-દાદાજી તમારો આશીર્વાદ સાચો પડશે? ભીષ્મ પૂછે છે, દેવી, તું કોણ છે? દ્રૌપદીએ જવાબ આપ્યો.
હું પાંડવોની પત્ની દ્રૌપદી.
ભીષ્મ કહે:-મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં આવેશમાં લીધી હતી, સાચા
હ્રદયથી નહિ. સાચા હ્રદયથી તને આશીર્વાદ આપ્યા છે. તે સાચા પડશે, પણ તું પહેલાં મને કહે, અત્રે તું એકલી કેવી રીતે આવી?
તને લાવનાર દ્વારકાનાથ વગર બીજો કોણ હોય?
ભીષ્મ દોડતા દોડતા બહાર આવ્યા છે. શ્રીકૃષ્ણને, કહે છે કે આજે તો હું આપનું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું
સ્મરણ રહેશે કે નહિ. પ્રાણપ્રયાણ સમયે વાત, પિત્ત, કફના પ્રકોપથી આ ગળું રુંધાઈ ગયું હશે. તેવા સમયે, તમારું સ્મરણ શી
રીતે થશે? માટે અંતકાળમાં મારી લાજ રાખવા આવજો. અંતકાળમાં ભયંકર સ્થિતિ થશે, તે વખતે આપ મને લેવા આવજો. નાથ!
મારા માટે અંતકાળ વખતે આવજો. તે વખતે શ્રીકૃષ્ણે ભીષ્મપિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ. તેમને આપેલું વચન સત્ય
કરવા દ્વારકાનાથ પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરજો. નાથ, મારા મરણ સમયે આપ જરૂર આવજો. શરીર સારું હોય તો ધ્યાન,
જપ થાય છે. અંતકાળમાં દુઃખથી દેહનું સંધાન થાય છે, તેથી પરમાત્માનું સ્મરણ કરવું કઠણ છે.