પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સૂતજી સાવધાન કરે છે:-ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.
આરોગ્યમ્ ભાસ્કરાત્ ઈચ્છેત્ । મોક્ષમ્ ઈચ્છેત્ જનાર્દનાત્ ।।
સૂર્યનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે. ઈતર સર્વ દેવો ભાવનાથી સિદ્ધિ આપે છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેખાય છે. તેમાં
ભાવના કરવાની જરૂર નથી. આ પ્રત્યક્ષ દેવની આરાધના કરો. ધર્મરાજા સૂર્યનારાયણની આરાધના કરતાં. સૂર્યનારાયણની
આરાધના વગર બુદ્ધિ શુદ્ધ થતી નથી. કાંઈ નહીં તો ઓછામાં ઓછા બાર સૂર્ય નમસ્કાર રોજ કરો. મારા શ્રીકૃષ્ણ સૂર્યનારાયણમાં
છે, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે:- આદિત્યાનામહં વિષ્ણુજ્ર્યોંતિષાં. ગી.અ.૧૦.શ્ર્લો.૨૧.
આ સૂર્યનારાયણની ઉપાસનાનો ક્રમ બતાવ્યો. સૂર્યનારાયણની ઉપાસના કરનાર દરિદ્ર થતા નથી. મહાભારતના
વનપર્વમાં આ કથા છે. યુધિષ્ઠિર સૂર્યની ઉપાસના કરતા. વનમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષયપાત્ર આપ્યું છે.
રામજીને સૂર્યે શક્તિ આપી, ત્યારે તેઓ રાવણને મારી શકયા છે. રામજીએ આદર્શ બતાવ્યો છે કે, પોતે ઈશ્વર હોવા
છતાં, સૂર્યનારાયણની આરાધના કરે છે.
નીતિનું ધર્મ સાથે લગ્ન ન થાય ત્યાં સુધી નીતિ વિધવા છે. નીતિ વગરનો ધર્મ વિધુર છે. અર્થોપાર્જન કરવું એ ધર્મ છે.
પણ અર્થ ધર્માનુકુલ હોવું જોઇએ. અર્થને ધર્મની મર્યાદા ન હોય તો એ માયાનું સ્વરૂપ બને છે અને અનર્થ કરે છે. માટે ધર્માનુકૂલ
અર્થનું ઉપાર્જન કરજો, અને નીતિને અનુસરીને તેને ભોગવજો.
ધર્મરાજાના પવિત્ર રાજમાં કોઈના ઘરમાં ઝધડો ન હતો. પુત્ર માતપિતાની આજ્ઞામાં રહેતો. તે વખતે રાજા ધર્મિષ્ઠ હોવાથી,
પ્રજા પણ ધર્મિષ્ઠ હતી.
સ વૈ કિલાયં પુરુષ: પુરાતનો ય એક આસીદવિશેષ આત્મનિ ।
અગ્રે ગુણેભ્યો જગદાત્મનીશ્ર્વરે નિમીલિતાત્મન્નિશિ સુપ્તશક્તિષુ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૯
યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડી, શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. દ્વારકાના લોકો રથયાત્રાના દર્શન કરે છે. રથમાં બિરાજેલા
દ્વારકાનાથનાં દર્શન રોજ કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં છે. સોનાનો રથ છે. આપણે થોડી ઝાંખી કરીએ તો હ્રદય પીગળે છે,
શરીરરથમાં શ્રીકૃષ્ણને નિહાળો. ભકત હ્રદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવી તેનાં દર્શન કરો. જ્ઞાનીઓ સમાધિમાં લલાટમાં
બ્રહ્મના દર્શન કરે છે.
દ્વારકાધીશ દ્વારકામાં પધારે છે. નગરજનો કહે છે, આપની કૃપાથી સર્વ સુખ હતું. એક દુ:ખ હતું કે આપનાં દર્શન થતાં
ન હતાં. સર્વને શ્રીકૃષ્ણદર્શનની આતુરતા છે. ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરી એકી સાથે ૧૬ હજાર રાણીઓના મહેલમાં પ્રવેશ
કર્યો, ભગવાન બોલવામાં ચતુર છે. દરેકને કહે, તારે ત્યાં પહેલો આવ્યો છું. રાણીઓમાં બીજે દિવસે પ્રેમનો ઝગડો થયો છે.
ભગવાનની આ દિવ્ય લીલા છે. તે વખતે કામદેવ લડવા આવ્યો છે. રાસલીલામાં કામદેવની હાર થઈ હતી, છતાં તેને વસવસો
રહી ગયો હતો. તે વખતે શ્રીકૃષ્ણ તો બાળક હતા. તે વખતે હું હાર્યો, તેમા શું નવાઇ? કામદેવે શ્રીકૃષ્ણને કહ્યું, સુંદર યુવતીઓ
તમારી સેવા કરતી હોય, તે વખતે મારે લડવુ છે. હાવભાવથી રાણીઓએ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો. પણ શ્રીકૃષ્ણ
અજેય રહ્યા છે. જંગલમાં ઝાડ નીચે બેસી કામને મારે તે સામાન્ય છે. પરંતુ અનેક રાણીઓ વચ્ચે રહી કામને જીતે છે તે પરમાત્મા
છે.
શ્રીકૃષ્ણનું ચિંતન-મનન કરનારને કામ ત્રાસ આપી શકે નહિ. તો શ્રીકૃષ્ણને કામ શું ત્રાસ આપી શકવાનો હતો?
ઇશ્ર્વર તે કે જે કોઈ દિવસ કામને આધીન થતો નથી. કામને આધીન થાય તે જીવ. કામદેવે ધનુષ્યબાણનો ત્યાગ કર્યો છે.
શ્રીકૃષ્ણ યોગેશ્વર છે. શંકર યોગેશ્વર છે. પૂર્ણ પ્રવૃત્તિધર્મમાં રહી પ્રવૃત્તિમાં લોપાય નહિ, આસક્ત ના બને તે યોગેશ્વર. સંપૂર્ણ
નિવૃત્તિમાં રહી સ્વ સ્વરૂપમાં સ્થિત રહે તે યોગેશ્વર.