પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભક્તિ વિનાનો યોગ, રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ,
સાધક થતો નથી. પણ કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરે તો, પ્રભુ સાથે સંયોગ થાય. યોગથી યોગી મનને
સ્થિર કરી શકે છે પણ હ્રદય વિશાળ થતું નથી. હ્રદય વિશાળ થશે જ્ઞાન અને ભક્તિથી. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના
કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હ્રદયમાં આવે, ભગવાનનું વ્યાપક તેજ મારામાં આવે.
તે પછી કુંભક કરો, ત્યારે ભાવના કરવાની કે ઈશ્વરને હું આલિંગન આપું છું. પ્રાણને શરીરમાં રોકી રાખવો તે કુંભક. તે
સમયે બ્રહ્મસંબંધની ભાવના કરવી. મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે. મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે. બ્રહ્મસંબંધ સતત
ટકે તો મુક્તિ મળે છે. બ્રહ્મસંબંધ મનુષ્ય ટકાવી શકતો નથી. મનથી સંસારના વિષયોને મળવાથી બ્રહ્મસંબંધનો ભંગ થાય છે.
તે પછી રેચક પ્રાણાયામ કરવાનો હોય છે. ડાબા નસકોરામાંથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તેને રેચક કહે છે. તે
વખતે એવી ભાવના કરવાની કે હવે પ્રભુ સાથે હું એક થયો છું, હું ભગવાનનો બન્યો એટલે મારું પાપ બહાર નીકળે છે. વાસના
બહાર નીકળે છે. મારા મનમાં જેટલા વિકાર હતા, તેટલા બધા બહાર નીકળે છે. હવે હું શુદ્ધ છું.
જયાં સુધી લૌકિક વ્યવહારમાં કાંઈક કરવું છે, ત્યાં સુધી મન ઠરતું નથી. ઠરવાનું નથી. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ
કરતો નથી, મનનો સંસાર ભજનમાં વિક્ષેપ કરે છે.
બ્રાહ્મણો સંધ્યામાં અઘમર્ષણ કરે છે. મારા પાપ બધાં બહાર નીકળે છે. મનના બે પ્રકારના મળ કહ્યા છે.
સ્થૂળ મળ=સાધારણ સાધન તપ, વ્રત, ઉપવાસથી દૂર થાય છે.
સૂક્ષ્મ મળ=તે તીવ્રભક્તિ વગર નીકળતો નથી.
પરિનિષ્ઠિતોડપિ નૈર્ગુણ્ય ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ।।
તેથી શુકદેવજીએ આરંભમાં, વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરૂષની ધારણા વગર મન શુદ્ધ થશે નહિ.
શુકદેવજી કહે છે:-અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે. તથાપિ નંદનવન યશોદાનંદન મારા મનને વારંવાર ખેંચી લે છે.
શ્રીકૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હ્રદયને પોતાના તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું
અધ્યયન કર્યું અને તે હું તને સંભળાવીશ.
સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરવું.
સર્વ શાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો કે એકલો તે નારાયણ હરિ જ સાચો છે.
આલોક્ય સર્વ શાસ્ત્રાણિ વિચાર્ય ચ પુનઃ પુન:।
ઈદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિ: ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૫
મેં સર્વ શાસ્ત્રોને ઉથલાવી જોયાં, વારંવાર વિચાર કરી જોયો. પણ તેમાંથી આ એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક
નારાયણ હરિ જ છે. સર્વ શાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે એક ભગવાનનું જ ધ્યાન કરવું.
નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનના રાગદ્વેષ જશે નહિ. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો, તેની
ભક્તિ અધૂરી છે.
ધ્યાનના આરંભમાં માનસી સેવા કરવી. ધ્યાનમાં મન શુદ્ધ ન હોય તો આનંદ આવતો નથી. મનને બહાર વિષયોમાં
રખડવાની ટેવ પડી છે. વર્તમાનકાળમાં જીવન ભોગપ્રધાન બન્યું છે. તે સમયે મનને અંતર્મુખ કરવું બહુ કઠણ છે. જ્ઞાની પુરુષો
મનનો મેલ ધોવા માટે વિરાટ પુરુષની ધારણા કરે છે. વિરાટ પુરૂષની ધારણા એટલે આખું જગત બ્રહ્મરૂપ છે, તેમ માનવું.
બ્રાહ્મણ તે વિરાટ પુરુષનું મુખ, ક્ષત્રિય તે હાથ, વૈશ્ય તે સાથળ, શૂદ્ર તે પગ, નાડીઓ તે નદીઓ, આમ જગતના પ્રત્યેક
પદાર્થને બ્રહ્મરૂપે નિહાળીને મનને વિશુદ્ધ બનાવે છે. સાધારણ સાધકને આ વિરાટ પુરુષની ધારણા કઠણ છે. તેથી કેટલાક અતિ
સુંદર નારાયણ ભગવાનનું ધ્યાન કરે છે.
જગત બ્રહ્મરૂપ છે, એમ નહીં માનો ત્યાં સુધી રાગદ્વેષ જશે નહિ. કેટલાક જગતને બ્રહ્મમય માને છે. કેટલાક પદાર્થમાં
બ્રહ્મસ્વરૂપનો અનુભવ કરે છે. રાગદ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે, તેવી
ભાવના દૃઢ થાય તો જગતની કોઇ વસ્તુ પ્રત્યે હીનભાવ કે કુભાવ થશે નહિ. હરિ જ જગત છે એમ માનો. બ્રહ્મદ્દષ્ટિથી જગત
સત્ય છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, બ્રાહ્મણનું અપમાન, એટલે મારા પ્રભુના મુખનું અપમાન છે. વૈશ્ય
સાથળમાંથી નીકળ્યા છે, વૈશ્યનું અપમાન એટલે મારા પ્રભુની સાથળનું અપમાન છે. પરમાત્માના ચરણમાંથી શૂદ્ર નિકળ્યો છે,
માટે કોઇનું અપમાન ન કરો. જગતમાં જડચેતન પરત્વે ભેદભાવ રાખશો, ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહિ.