ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
તાજેતરમાં મહારાષ્ટ્ર ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ અને દિલ્હી સ્પેશિયલ સેલે અમુક આતંકવાદીઓને પકડી પાડ્યા હતા. તેઓ મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશનાં અનેક સ્થળે આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. એથી આવા આતંકી હુમલાથી લોકલ ટ્રેનને સુરક્ષિત રાખવા પોલીસ પ્રશાસન હવે ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ બનાવી રહી છે. આ રીતે રેલવેની સુરક્ષા યંત્રણા વધુ મજબૂત થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
દહિસરની શ્રીયા બની 'મિસ ટૂરિઝમ યુનિવર્સ'ની વિજેતા; આ રીતે કરી હતી તૈયારી
સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે સુરક્ષા વિભાગ લોકલ પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, CBI જેવી એન્જસીઓનો સંપર્ક કરીને આરોપીઓ અને સંદિગ્ધ લોકોનાં નામ અને તમામ ડેટા મેળવી રહી છે. એમાં તમામ શંકાસ્પદ લોકોના ચહેરા, આંખોને લગતી માહિતી હશે. આ તમામ માહિતીને સિસ્ટમ પર અપલોડ કરવામાં આવી રહી છે. એથી સિસ્ટમ આ શંકાસ્પદ લોકોને ઓળખી શકશે. તેના CCTV કૅમેરા શંકાસ્પદ લોકોના ચહેરા ઓળખી શકે એ મુજબના હશે. તેથી જેવો કોઈ શંકાસ્પદ શખ્સ કૅમેરા સામેથી પસાર થશે, કંટ્રોલરૂમમાં એલાર્મ વાગશે. એનાથી તમામ એજેન્સી પણ એલર્ટ થઈ જશે અને તેને તુરંત પકડી પાડવામાં આવશે. આ સિસ્ટમમાં માસ્કધારકને પણ ઓળખી પાડવાની ક્ષમતા હશે.