ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
ઓક્ટોબર મહિનામાં વરસાદી માહોલ રહેતા વાતાવરણ ઠંડુ રહ્યું હતું. હવે નવેમ્બર મહિનામાં ઠંડીન બદલે ઓક્ટોબર હિટનો અનુભવ થઈ રહ્યો છે. તેમાં પણ જમીનની અંદર રહેતા સરિસૃપ પ્રાણીઓને ગરમી સહન નહીં થતા તેઓ જમીનની બહાર નીકળી રહ્યાં છે. મુલુંડ અને થાણેના જંગલ પરિસરની નજીક આવેલા રેસિડેન્શિયલ વિસ્તારમાં સર્પડંખના બનાવ વધી ગયા છે. થાણેમાં સ્કૂટીમાં કોબ્રો તો મુલુંડમાં ગાડીના બંપરમાં દસ ફૂટનો અજગર મળી આવ્યો છે.
ગુરુવારે દિવસના થાણેના લોકમાન્ય નગરમાં સ્કૂટીમાં અઢી ફૂટનો ક્રોબા સાપ મળી આવ્યો હતો. વપરાયા વગરની આ સ્કૂટી પડી રહી હતી. ડરના માર્યા લોકોએ તેને ભગાવવા તેને મારવાનું ચાલુ કર્યું છે. છેવટે કોઈએ રેસકિંગ અસોસિયેશન ઓફ વાઈલ્ડલાઈફ વેલફેર (રો)નામની પ્રાણી સંસ્થાને ફોન કરીને બોલાવી હતી. તેઓએ કોબ્રાને બચાવીને લઈ ગયા હતા.
ગુરુવારે મધરાતે બીજો બનાવ મુલુંડના સિલ્વર બેલ્સ સોસાયટીમાં બન્યો હતો. જયાં કારના બંપરમાંથી અજગર મળી આવ્યો હતો. રહેવાસીઓએ રાતના રો સંસ્થાને ફોન કરીને બોલાવ્યા હતા. વીસ કિલોના અજગને મહામહેનતે બહાર કાઢવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.
પર્યાવરણ નિષ્ણાતોના કહેવા મુજબ ઓક્ટોબર હિટની અસર હવે જણાઈ રહી છે. તેથી સરિસૃપ પ્રાણીઓને જમીનની અંદરની ગરમી સહન થતી નથી. તેથી ઠંડક મેળવવા તેઓ બહાર નીકળતા હોય છે.