ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે. એને પગલે સરકાર દ્વારા કેટલાંક સ્થળોએ કોરોનાના પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. મુંબઈમાં આગામી 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં સામાન્ય જનતા મુસાફરી કરી શકશે. જોકે રસીના બંને ડોઝ મેળવેલ લોકો જ મુસાફરી કરી શકશે અને હવે આ માટે પ્રમાણપત્રની જરૂર પડશે. એ જ સમયે ઍરપૉર્ટ પર અને અન્ય સ્થળોએ પણ કોરોનાનો નેગેટિવ રિપૉર્ટ અથવા રસીકરણનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. વારંવાર રસીકરણનું પ્રમાણપત્ર બતાવીને કંટાળી ગયેલી એક વ્યક્તિએ હવે પોતાના ટી-શર્ટ પર જ આ પ્રમાણપત્ર છપાવી દીધું છે.
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અતુલ ખત્રીએ આવું ટી-શર્ટ પહેરેલો તેનો ફોટો ટ્વીટ કર્યો છે. સફેદ ટી-શર્ટમાં ખત્રીનો ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. અતુલ ખત્રીએ પહેરેલા ટી-શર્ટ પર વેક્સિનેશનનું સર્ટિફિકેટ છપાયેલું છે. આ વિચાર કેવી રીતે આવ્યો એ અંગે એક ટ્વીટમાં તેણે કહ્યું કે કામ અને મુસાફરી હવે શરૂ થઈ ગઈ છે. ઍરપૉર્ટ અને હૉટેલમાં વારંવાર કોરોના રસીકરણનાં પ્રમાણપત્રો બતાવવાં પડે છે, એથી હું કંટાળી ગયો હતો અને મને આ વિચાર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જાહેરાત કરી હતી કે જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા છે અને બીજા ડોઝ લીધાના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે તેમને 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.