ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 નવેમ્બર, 2021
સોમવાર
દિવાળી બસ આવવાની છે અને દિવાળીને ધ્યાનમાં રાખીને પાર્ટીઓની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જો તમે હજી નક્કી નથી કર્યું કે આ વખતે તમારા ઘરે કે મિત્રોના ઘરે દિવાળીની પાર્ટીમાં તમે શું પહેરશો કે કેવો મેકઅપ કરશો તો ચોક્કસ તમે કંઈક મિસ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં અમે તમને 5 સરળ મેકઅપ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે પરફેક્ટ દિવાળી લુક મેળવી શકશો.
મેકઅપનો બેઝ
સૌ પ્રથમ મેકઅપનો બેઝ યોગ્ય હોવો જોઈએ. ચહેરાને યોગ્ય રીતે સાફ અને મોઇશ્ચરાઇઝ કર્યા પછી તમારી ત્વચાના ટોન અનુસાર યોગ્ય ફાઉન્ડેશન પસંદ કરો અને એને ચહેરા પર લગાવો. ફાઉન્ડેશન પછી ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ જેવા કે આંખોની નીચે ડાર્ક સર્કલ અને ડાઘ પર કામ કરવા માટે કન્સિલરનો ઉપયોગ કરો. ફિનિશિંગ માટે કન્સિલર પછી થોડો લૂઝ પાઉડર લગાવો. છેલ્લે ચહેરાને ચમકાવવા માટે નાકની ટોચ પર, ગાલનાં હાડકાં પર અને ચિન પર હાઇલાઇટરનો ઉપયોગ કરો.
હોઠ પર ધ્યાન આપો
હોઠ પર લિપસ્ટિક લગાવતાં પહેલાં લિપ બામનો ઉપયોગ કરો, જેથી ડ્રાયનેસ કે ફાટેલા હોઠની સમસ્યાથી છુટકારો મળે. જો તમારા આઉટફિટનો રંગ પેસ્ટલ છે, તો તમારે તમારી લિપસ્ટિકનો શેડ બોલ્ડ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે લાલ અથવા નારંગી. પરંતુ જો તમારા પોશાકનો રંગ બ્રાઇટ છે, તો તમારી લિપસ્ટિકનો શેડ હળવો ગુલાબી અથવા નૂયુડ રંગનો હોવો જોઈએ.
આંખોની સુંદરતા
શું અમારે તમને કહેવાની જરૂર છે કે સ્મૉકી આઇનો ટ્રેન્ડ હજી પૂરો થયો નથી. જો તમે ઇચ્છો, તો તમે બ્રાઇટ દેખાવ માટે વિંગ્સ આઇલાઇનરનો ઉપયોગ કરી શકો છો. તમારા દેખાવને પૂર્ણ કરવા માટે હળવા મસ્કરાનો ઉપયોગ કરો.
ગ્લો માટે બ્લશ
ગ્લોઇંગ ફેસ અને બ્લશિંગ ગાલનું કૉમ્બિનેશન હંમેશાં સરસ લાગે છે અને આ લુકને અપનાવવા માટે દિવાળી કરતાં વધુ સારી તક શું હોઈ શકે. આ માટે તમે થોડું ચમકતા બ્લશનો ઉપયોગ કરી શકો છો અને તેને તમારા ગાલ પર લગાવીને તમે ગુલાબી ગાલ મેળવી શકો છો.
હેર સ્ટાઇલ
જો તમે આ દિવાળીમાં ફટાકડાથી દૂર રહેવાનાં છો તો વાળમાં હેર સ્પ્રે લગાવીને વાળને ખુલ્લા છોડી શકો છો, કારણ કે ખુલ્લા વાળમાં મહિલાઓનો લુક વધુ સારો લાગે છે. પરંતુ જો તમે દિવાળીની રાત્રે દીવાઓ પ્રગટાવતી વખતે ફટાકડા ફોડવાની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે તમારા વાળ બાંધવા જોઈએ અને આ માટે તમે ટ્વિસ્ટેડ સાઇડ વેણી અજમાવી શકો છો.