ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાનો વર્લ્ડ રેકોર્ડ હવે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનના કપાળ પર શોભી રહ્યો છે. મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે શિપ્રા નદીના કિનારે માત્ર 10 મિનિટમાં 11 લાખ 71 હજાર 78 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 14 હજાર સ્વયંસેવકો દ્વારા આ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્ની સાધના સિંહ સાથે 11 દીવા પ્રગટાવીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી સાયરન વાગતાની સાથે જ 14 હજાર સ્વયંસેવકોએ દીવાઓ પ્રગટાવવાનું શરૂ કર્યું. સાથેજ લોકોએ ઘરે-ઘરે અને તેમની સ્થાપનાઓ પર પણ દિવાળી જેવા દીવા પ્રગટાવ્યા હતા.
આ ઉપરાંત મહાકાલ મંદિરના પરિસરમાં પણ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અહીં સ્વયંસેવકોએ વિવિધ આકૃતિઓ બનાવી અને દીવા પ્રગટાવ્યા અને થોડી જ વારમાં મંદિર પરિસર દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યુ હતું.
ઉજ્જૈનના ડીએમ આશિષ સિંહના જણાવ્યા અનુસાર, ગિનિસ બુકની ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે રેકોર્ડની જાહેરાત કરતાની સાથે જ આખા શહેરમાં જોરશોરથી આતશબાજી કરવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે ઉજ્જૈન શહેરમાં 21 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. પરંતુ વર્લ્ડ રેકોર્ડની ટીમે માત્ર ઘાટ પર લગાવેલા દીવાનો હિસાબ નોંધ્યો હતો. અહીં 5 ડ્રોન વડે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
Largest display of oil lamps 1,171,078 lamps, achieved today by The Culture Department, Government of Madhya Pradesh in Ujjain, India to celebrate of the festival of Mahashivratripic.twitter.com/5OjlaV6j4E
— Guinness World Records (@GWR) March 1, 2022
અયોધ્યાનો રેકોર્ડ ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈને તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પર રામ નગરી અયોધ્યામાં 9 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. પછી આ ઘટનાને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.