ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
જો કોઈને 5 લાખની લૉટરી પણ મળે તો તે આનંદથી નાચી ઊઠે છે. એવો જ એક અદ્ભુત કિસ્સો લૉટરીનો સામે આવ્યો છે, જે વાંચીને તમે પણ કહેશો કે વાહ શું માણસ છે! ઑસ્ટ્રેલિયાના પીટર ચાર્લટને સામાન્ય માણસની જેમ નથી કર્યું. તેણે લૉટરીમાં 5 કરોડની જંગી રકમ જીતી, પરંતુ તેણે આ જૅકપૉટનો એક પૈસો પણ પોતાના પર ખર્ચ્યો નથી.
તમે વિચારતા જ હશો કે જો પીટરે આ પૈસા પોતાના પર ખર્ચ્યા ન હતા, તો તેણે આટલા પૈસાનું શું કર્યું? આનો જવાબ જાણીને આ ઑસ્ટ્રેલિયન વ્યક્તિ માટે આદર તમારી નજરમાં ઘણો વધી જશે. હકીકતમાં પીટરે લૉટરીમાં મળેલાં તમામ નાણાં જરૂરિયાતમંદ મિત્રો, અજાણ્યા લોકો અને કોવિડ-19ના કારણે આર્થિક રીતે નબળા લોકોમાં વહેંચ્યાં હતાં. તેમણે પોતે પણ પોતાના જીવનના અનુભવો લોકો સાથે શૅર કર્યા છે.
IPL-14ની આખી સિઝનમાંથી અર્જુન તેંડુલકર થયો આઉટ, તેની જગ્યાએ આ ખેલાડી ઇન થયો; જાણો વિગત
પીટર ચાર્લટન 5 લાખ પાઉન્ડની લૉટરી જીત્યા હતા એટલે કે ટેટ્સ લોટો લૉટરી દ્વારા લગભગ 5 કરોડ રૂપિયા તેમને મળ્યા હતા. જોકે તેમનું કહેવું છે કે તેઓ જીતેલા રૂપિયા પોતાની પાસે રાખવામાં જરાય યોગ્ય ન માનતા હતા. આ જ કારણ છે કે તેમણે આ તમામ રૂપિયા સમાજના લોકોમાં વહેંચવાનું નક્કી કર્યું, જે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ છે.
તેઓ વહેલી તકે આ રકમમાંથી છુટકારો મેળવવા માગતા હતા. આ માટે તેમણે આ રસ્તો શોધી કાઢ્યો, જેથી પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ શકે. તેમણે તેના કાકા ચાર્લીની યાદમાં ત્રણ લૉટરી ટિકિટ ખરીદી હતી, જેમનું થોડા સમય પહેલાં નિધન થયું હતું.
‘ધ સન’ના અહેવાલ મુજબ પીટર ચાર્લટને 7 ન્યૂઝ યુટ્યુબ ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓને તેમના કાકાથી ખૂબ જ લગાવ હતો. તેમની યાદમાં ખરીદેલી ટિકિટ સાથે લૉટરી જીત્યા પછી તેમને લાગ્યું કે પોતે સોનાની ખાણ પર બેઠા છે અને તેમનો ઉદ્દેશ આ પૈસાથી છુટકારો મેળવવાનો છે. તેઓ તેમના મિત્રો અને પરિવારના સભ્યોના બૅન્ક ખાતામાં નાણાં મૂકે છે. તેમણે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને તેમનાં વિજેતા નાણાં આપવા માટે સંદેશ મોકલ્યો. લોકો શરૂઆતમાં તેમની વાતને નકલી માનતા હતા, કારણ કે તેમને છેતરપિંડીનો ડર હતો. જ્યારે તેમને લોકો પાસેથી બૅન્કની વિગતો મેળવવાનું મુશ્કેલ લાગ્યું, ત્યારે તેમણે લોકોની ખરીદી માટે ચુકવણી કરવાનું શરૂ કર્યું. પિઝા રેસ્ટોરાંમાં પૈસા આપીને તેમણે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો. તેમનું કહેવું છે કે બદલામાં તેમને આનંદની અનુભૂતિ થઈ.