ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
આયુર્વેદના નામે ગમે તે પદાર્થોને લોકોને વેચવામાં આવી રહ્યા છે. એમાં પણ કોરોના મહામારીના સમયમાં લોકો આયુર્વેદ તરફ વધુ ઝૂક્યા હતા. હર્બલ ટી, ગૂઝબરી કૅન્ડી જેવા ખાદ્ય પદાર્થો અને આયુર્વેદિક ઘટકો ધરાવતા ખાદ્ય પદાર્થનું ખરીદીનું ચલણ વધી ગયું છે. બજારમાં વેચાતા આવા પદાર્થો પર તે રોગ મટાડનારા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના દાવા કરવામાં આવતા હોય છે. એની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતી હોય છે. એથી હવે સરકારે બજારમાં આયુર્વેદના નામે વેચાતા પદાર્થોની જાહેરાત તેમ જ લેબલિંગ પર અનેક પ્રકારનાં નિયંત્રણ લાવવા માટે નવા નિયમો ઘડવાનો નિર્ણય લીધો છે.
ધી ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI ફૂડ પ્રોડક્ટ્સની નવી કૅટૅગરી તથા આયુર્વેદ આહાર માટેના દાવા તથા લેબલિંગ માટે નવી પૉલિસી બનાવવાની છે. પૉલિસીના મસુદા મુજબ આયુર્વેદ ખાદ્ય પદાર્થની જાહેરખબર, લેબલિંગની રજૂઆતમાં હવેથી તે રોગ મટાડે છે અને રોગ પ્રતિરોધક છે એવો દાવો કરી શકાશે નહીં. લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરી શકાશે નહીં. રોગનાં જોખમોમાં ઘટાડો અથવા આરોગ્યના ફાયદા દવાઓ માટે ફૂડ ઑથૉરિટીની અગાઉથી માન્યતા હોવી જોઈએ.
હવે સત્તાવાર રીતે આયુર્વેદ લખાણમાં દર્શાવેલી રેસિપી આધારિત ઇન્ગ્રેડિયન્ટ્સ સાથેના પૅકેજ ફૂડ પ્રોડક્ટ્સ માટેનાં સૂચિત ધોરણોને જાહેર કર્યાં છે. હવેથી હર્બલ ચા, શરબત, બદામપાક જેવાં ઉત્પાદનો આ નવી પૉલિસી હેઠળ આવી જશે. જોકે આયુર્વેદ દવા, મેડિસન પ્રોડક્ટ્સ, હર્બ્સ અને ફૂડ આઇટમ કે જેમાં આયુર્વેદ ઘટકો ન હોય એ ડ્રાફ્ટ ફૂટ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ (આયુર્વેદ આહાર) રેગ્યુલેશન 2021 હેઠળ આવશે નહીં.
ડ્રાફ્ટ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈ મુજબ ઉત્પાદન બનાવવા માટે કુદરતી ખાદ્ય મિશ્રણોનો જ ઉપયોગ કરી શકાશે. આયુર્વેદ, આહારમાં વિટામિન, મિનરલ્સ અને એમિનો ઍસિડની ઉમેરણી કરી શકાશે નહીં.
કુદરતી સંયોજન જેવા બાવળનો ગુંદર, મધ, ગોળ, ગુલાબ તેલ, કેઓરા તેલ, રોઝમરી, તેલ, ખજૂર સિરપ, મોલાસીસ વગેરેના વપરાશની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે.
શું તમને નિપાહનાં લક્ષણ છે? આ સમાચાર તમારા માટે છે, માત્ર એક કલાકમાં નિદાન થશે; જાણો વિગત
FSSAI છેલ્લાં ત્રણેક વર્ષથી સરકારના આયુષ મંત્રાલય સાથે આ બાબતે ચર્ચા કરી રહી છે. આયુષ મંત્રાલયે નિષ્ણાતોની એક સમિતિ પણ નીમવાની છે, જે FSSAIને તમામ ભલામણો કરશે.