ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં રાજધાની એક્સપ્રેસ સૌથી ઝડપી ટ્રેન ગણાય છે, પરંતુ હાલમાં જ આ ટ્રેન તેના નિયત સમય કરતાં 25 મિનિટ મોડી રહી હતી. એની પાછળ જોકે કોઈ ટેક્નિકલ કારણ કે કર્મચારીની ભૂલ નહોતી, પરંતુ મુંબઈ-વડોદરાના રૂટ પર રેલવે પાટા ઉપર જખમી હાલતમાં પડી રહેલો મગર જવાબદાર હતો. એને બચાવવા માટે 25 મિનિટ ગાડીને રોકી રાખવામાં આવી હતી. બદનસીબે મગરને પાટા પરથી ઉગારી લીધા બાદ જોકે સારવાર દરમિયાન એનું મોત થયું હતું.
વડોદરા આગળ કરજણ સ્ટેશન પાસે પાટા પર મગર જખમી હાલતમાં પડ્યો હતો. ટ્રેનના ડ્રાઇવરને પાટા પર મગર પડેલો દેખાતાં તેણે તુરંત ગાડીને રોકી હતી. તપાસ કરતાં મગર જીવંત હાલતમાં જણાઈ આવ્યો હતો. એથી નજીકના સ્ટેશન પર જાણ કરીને પ્રાણીમિત્રને તાત્કાલિક બોલાવવામાં આવ્યો હતો. મગર જે જગ્યા એ હતો એ રેલવે સ્ટેશનથી લાંબે હતી. એથી રાજધાનીને લગભગ 25 મિનિટ સુધી ઊભી રાખવી પડી હતી. આ દરમિયાન જોકે પ્રવાસીઓને આ બાબતની જાણ કરવામાં આવતાં તેઓએ પણ રેલવે પ્રશાસનને સહકાર આપ્યો હતો.
સ્વર્ણિમ યુગની શરૂઆત કરનાર 'દૂરદર્શન' ટીવી ચૅનલનાં પૂર્ણ થયાં 62 વર્ષ, જાણો એનો સોનેરી ઇતિહાસ
પ્રાણીમિત્ર ઘટનાસ્થળે પોતાના સાથીદાર સાથે પહોંચી ગયા, ત્યારે મગરના માથા પર ભારે ઈજા પહોંચી હોવાનું જણાઈ આવ્યું હતું. ભારે વરસાદને કારણે કદાચિત એ નદીમાંથી બહાર આવી ગયો હશે અને પાટાની નજીક પહોંચ્યો હશે ત્યારે કોઈ ટ્રેનની અડફેટમાં આવવાથી જખમી થયો હોવાનો અંદાજો છે. એના પર તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી હતી, પરંતુ બદનસીબે સારવાર દરમિયાન મગરનું મૃત્યુ થયું હતું.