ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરૂવાર
‘સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રિવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ‘ચાંદની પડવો’ તરીકે ઓળખાય છે. શરદ પૂનમના એક દિવસ પછી આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ધાબા ઉપર મિત્રો અને પરિવારજન સાથે ભેગા મળીને સ્વાદિષ્ટ ઘારીનો આનંદ માણે છે.
કહેવાય છે કે સુરતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે તેથી જ સુરત શહેર ખાવા પીવાની બાબતમાં હંમેશા અગ્રણી રહ્યું છે સુરતમાં આમ તો બધી જ વાનગીઓ પ્રખ્યાત છે જેવી કે, ઊંધિયું, પોંન્ક, ભુસુ, લોચો, વગેરે વગેરે…. ઘારી એ સુરતની પ્રખ્યાત વાનગીઓમાંની એક છે. ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ‘સુરતી ઘારી’ પ્રખ્યાત છે. ઘારી એ સ્વાદિષ્ટ મીઠાઈ છે. જે ઘી અને સુકામેવામાંથી બને છે.
શું હવે facebook નું નામ બદલાશે? એપ્લિકેશન પણ બદલાઈ જશે? જાણો આખા મામલાને…
ચાંદની પડવાની સાંજે ઘરનાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ આરોગે છે. ઘણા લોકો પોતાની અગાશીમાં બેસી ચાંદની રાતની મજા માણતા ઘારી ખાવાનો કાર્યક્રમ પણ ગોઠવે છે, તો ઘણા ઘરેથી બહાર જઇ બાગ-બગીચામાં અથવા નદી કે દરિયાકિનારે પણ જાય છે. આ રીતે લોકો સમુહભોજનનો આનંદ મેળવે છે. સમય પરિવર્તનની સાથે ઘારીમાં હવે વિવિધતા જોવા મળી રહી છે. સુરતની દુકાનોમાં હવે બદામ પિસ્તા ઘારી, માવા ઘારી, ચોકલેટ ઘારી, જેવી અનેક ફ્લેવર્સમાં ઘારી વેચાય છે.