ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
એક સપ્તાહમાં બીજી વખત ટ્વિટર ડાઉન થયું હતું. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર ગુરુવારે રાતના ડાઉન થઈ જતા લાખો યુઝર્સે તેની ફરિયાદ કરી હતી. યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ્સ પર અપડેટ્સ દેખાયા નહોતા.
રિપોર્ટ અનુસાર કેટલાક યુઝર્સના ટ્વિટરને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. યુઝર્સને પોતાની ટ્વીટ જોવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મોનિટરિંગ સાઇટ DownDetector.com અનુસાર, ટ્વિટર યુઝર્સે કહ્યું કે ગુરુવારે રાત્રે ટ્વિટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી. જે 10.51 પછી વધવા લાગ્યો હતો. ટ્વિટર આ અગાઉ 11મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ડાઉન હતું. તે સમયે, કંપનીએ કહ્યું હતું કે, અમે એક ભૂલ સુધારી છે. જેના કારણે ટાઈમલાઈન અપલોડ કરવામાં મુશ્કેલી પડી હતી.
તે સમયે ભારતના ઘણા શહેરોમાં યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેમાં મુંબઈ, દિલ્હી, જયપુર, હૈદરાબાદ અને ચેન્નાઈ સહિતના અન્ય શહેરોનો સમાવેશ થાય છે. તે સમયે યુઝર્સે ફરિયાદ કરી હતી કે ટ્વીટ દેખાતી નથી. ટ્વીટ્સના જવાબો લોડ કરવામાં પણ સમસ્યાઓ હતી.
ગુરુવારના મોડી રાતના ક્રેશનું કારણ શું હતું તે મોડે સુધી સ્પષ્ટ થયું નથી. ટ્વિટર ડાઉન થવાની સાથે જ ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ તપાસ કરતા હતા કે ટ્વિટર એકાઉન્ટ શરૂ થયું છે કે નહીં. ભારતમાં ટ્વિટર યુઝર્સની મોટી સંખ્યાને કારણે ભારતમાં ટ્વિટર યુઝર્સને ટ્વિટર જામમાં મોટી અસર પડી છે.