ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
સોનાની દાણચોરી કરનારા તસ્કરો ઍરપૉર્ટ પર પકડાય નહીં એ માટે જાતજાતના તિકડમ ચલાવતા હોય છે. તાજેતરમાં એટલે કે 28 ઑગસ્ટના શુક્રવારના દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર બે ઉઝબેકી નાગરિકોને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઍર ઇન્ટેલિજન્ટ યુનિટ (AIU)એ પકડી પાડ્યા હતા. તેમણે સોનાની દાણચોરી કરી લાવવા અનોખી તરકીબ અજમાવી હતી. આ બંને ઉઝબેકી દુબઈથી આવ્યા હતા અને તેમના મોઢામાં સોનાના દાંતનું ચોકઠુ પહેર્યું હતું. AIUને મળેલી ટિપને આધારે ઍરપૉર્ટ પર ગ્રીન ચૅનલ પર શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના મોઢામાં સોનાના દાંતનું ચોકઠું મળી આવ્યું હતું. જેનું વજન લગભગ 951 ગ્રામ જેટલું હતું. એ સિવાય મેટલની ચેન પણ દાંતના ચોકઠામાંથી મળી આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી બે ઉઝબેકના નાગરિકોને એક કરોડ રૂપિયાની કિંમતના સોનાના સ્મગલિંગ કરવાના કથિત ગુના હેઠળ પકડી પાડવામાં આવ્યા હતા.