ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું કામ ફુલ સ્પીડે થઈ રહ્યું છે. 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા કોસ્ટલ રોડનું અત્યાર સુધી 38 ટકા કામ પૂરું થઈ ગયું છે. હાલ કોસ્ટલ રોડમાં અત્યંત મહત્ત્વની ગણાતી વિશાળ અન્ડર ગ્રાઉન્ડ ટનલનું ખોદામ ચાલી રહ્યું છે, જેમાં પ્રિયદર્શની પાર્કથી ચાલુ થનારી ટનલનું ખોદકામ બાબુલનાથ ક્રોસ કરીને હવે તિલાચંદ ગાર્ડન સુધી પહોંચી ગયું છે. બે ટનલમાંથી પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી સુધીની પહેલી ટનલનું એક કિલોમીટર સુધીનું કામ શનિવાર રાતના 11 વાગ્યે પૂરું થયું હતું. આ ટનલ બે કિલોમીટર લાંબી છે, જેનું ખોદકામ ‘માળવા’ ટનલ મશીનથી કરવામાં આવી રહ્યું છે. આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ ટનલનું કામ પૂરું કરી નાખવાની પાલિકાએ યોજના બનાવી છે.
કોસ્ટલ રોડને કારણે ભવિષ્યમાં દક્ષિણ મુંબઈથી પશ્ચિમ પરામાં જવું સરળ થઈ જશે. અત્યાર સુધી પ્રોજેક્ટનું 38 ટકા કામ પૂરું થયું છે. એમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિન્ક સુધીના 10.58 કિલોમીટરના કામમાં 2.07 કિલોમીટરની બે વિશાળ ટનલનું કામ અત્યંત જટિલ કહેવાય છે. એ માટે ચીનથી મોટું મશીન લાવવામાં આવ્યું છે, જે લગભગ 3 હજાર મૅટ્રિક ટનનું છે, એની ઊંચાઈ ત્રણ માળ જેટલી હોવાથી એની લંબાઈ 90 મીટરની છે. ચોમાસામાં પણ જમીનમાં 10થી 70 મીટર નીચે ખોદકામ ચાલી રહ્યું છે. મશીનને રિસેમ્બલ કરતાં સમયે એના પાર્ટ 30 મીટર પ્રમાણે ત્રણ ભાગ અલગ-અલગ કરવામાં આવશે.
જાન્યુઆરીના અંત સુધીમાં પહેલી ટનલનું કામ પરું થયા બાદ માવળા મશીનના ભાગ છૂટા કરીને એને ફરી પ્રિયદર્શની પાર્ક લઈ આવવામાં આવશે. પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી સુધી બે કિલોમીટરની ટનલનું ફરી ખોદકામ ચાલુ કરાશે. માવળાના છૂટા ભાગને ફરી જોડીને પ્રિયદર્શની લાવતાં 60 ટ્રક લાગશે. એને રિસેમ્બલ કરવામાં જ બે મહિનાનો સમય લાગશે. ત્યાર બાદ એપ્રિલથી બીજી ટનલનું કામ ચાલુ કરાશે. બીજી ટનલનું કામ પૂરું કરવા માટે આઠ મહિનાનો સમય લાગશે.