ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
સેન્ટ્રલ રેલેવેના પ્રવાસીઓની હાલાકીનો જલદી અંત આવે એવું જણાતું નથી. થાણે-દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનના કામ માટે સેન્ટ્રલ રેલવેએ અત્યાર સુધી અનેક મેગાબ્લોક લીધા છે. તાજેતરમાં સેન્ટ્રલ રેલવેએ 72 કલાકનો મેગાબ્લોક લીધો હતો. છતાં આગામી દિવસોમાં પાંચમી-છઠ્ઠી લાઈન માટે વધુ મેગા બ્લોક લેવામાં આવવાના છે.
સેન્ટ્રલ રેલવેના કહેવા મુજબ પાંચમી અને છઠ્ઠી લાઈનમાં હજી કેટલાક નાના કામ બાકી હોવાથી વધુ પાંચ મેગાબ્લોક લેવામાં આવશે.
થાણે અને દીવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લેનનું કામ 72 કલાકના મેગાબ્લોક સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ લેન પર કેટલાક નાના કામો બાકી છે. તેથી આ બ્લોક આઠથી બાર કલાક માટે લેવામાં આવશે.
આ બ્લોક શનિવાર અને રવિવારે લેવામાં આવશે. ફાસ્ટ લોકલ અને મેલ તેમજ એક્સપ્રેસ માટે અલગ-અલગ રૂટની ઉપલબ્ધતાને કારણે બ્લોક દરમિયાન લોકલ સર્વિસ, એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક પર ઓછી અસર થશે એવો દાવો રેલવેએ કર્યો છે.
થાણે અને દિવા વચ્ચે, મેલ અને એક્સપ્રેસ માટે 5મી અને 6ઠ્ઠી લેન ઉપલબ્ધ ન હોવાને કારણે, આ ટ્રેનો ફાસ્ટ લોકલના ટ્રેક પર દોડતી હતી. જેની અસર લોકલ ટ્રેનો તેમજ એક્સપ્રેસ ટ્રેનો પર પડી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર રેલવે 12 કલાક, 18 કલાક, 24 કલાક, 36 કલાક, 14 કલાક અને 72 કલાકના મોટા મેગાબ્લોક ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં લઈ ચૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી પાંચમી અને છઠ્ઠી લેનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.