ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર
મુંબઈમાં સામાન્ય નાગરિકોને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નથી. એથી કામ પર ગમે તે રીતે પહોંચી જવા લોકો હવે ટ્રેનમાં પ્રવાસ કરવા બનાવટી આઇ-કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેના કહેવા મુજબ હાલ પિક અવર્સમાં લોકલ ટ્રેનમાં 60 ટકા પ્રવાસીઓ બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરી રહ્યા છે. આ લોકોને ટ્રેનમાં ગેરકાયદે પ્રવાસ કરતાં રોકવા મહારાષ્ટ્ર સરકાર ફરી QR કોડ સિસ્ટમ અમલમાં લાવવાની છે. એ માટે યુનિવર્સલ ટ્રાવેલ પાસ સિસ્ટમ અલમમાં લાવવાની છે.
મોટા ભાગના લોકો ફાર્મસી, મેડિકલ અથવા ચૅરિટેબલ હૉસ્પિટલના આઇ-કાર્ડ પર ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન મોટા ભાગના આઇ-કાર્ડ બનાવટી નીકળ્યા હતા. બુકિંગ કાઉન્ટરો પર પાસ અથવા ટિકિટ લેતાં સમયે ક્રૉસ ચેક કરવા દરમિયાન તેઓ સાચી માહિતી આપી શકતા નથી. છતાં તેમને પાસ ટિકિટ મળી જતાં હોય છે.
બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરનારા લોકોને રોકવા માટે સરકારે યુનિવર્સલ ટ્રાવેલ પાસ સિસ્ટમ અમલમાં લાવી રહી છે. જેમાં હવે ટ્રેનમાં પ્રવાસ કરવા QR કોડ આપવામાં આવશે. તેમ જ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવા બાબતે વિચાર ચાલી રહ્યો છે. વેક્સિનના ડોઝ લીધા છે કે નહીં એની માહિતી આધાર કાર્ડ પરથી મળી શકશે.