ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈની લોકલ ટ્રેનોમાં કોરોના રસીના બંને ડોઝ લીધેલાઓને પ્રવાસની છૂટ આપવામાં આવી છે. જેમણે રસી નથી લીધી તેમણે અન્ય પરિવહન સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જે પરવડે એમ નથી. એથી ઘણા સમયથી બધાને લોકલ પ્રવાસની છૂટ મળે એવું લોકો ઇચ્છી રહ્યા છે. એના માટે હાઈ કોર્ટમાં એક નાગરિકે આયર્લેન્ડ અને ઇઝરાયલનું ઉદાહરણ આપીને, જેમ ત્યાં લોકોને પ્રવાસની છૂટ આપવામાં આવી છે એમ મુંબઈમાં પણ આપવામાં આવે એવી અરજી કરી હતી. એના જવાબમાં કોર્ટે અરજદારને ઠપકાર્યો હતો.
સોમવારે થયેલી સુનાવણીમાં હાઈ કોર્ટે અરજદારને કહ્યું હતું કે રસીકરણ ન થયેલાને પણ રેલવેમાં પ્રવાસ કરવા દેવાની માગણી કરવી યોગ્ય કઈ રીતે છે? બહારના દેશની પરિસ્થિતિ અને લોકસંખ્યા આપણા દેશ જેવી નથી. સરકાર નિયમો બનાવે છે અને પ્રતિબંધ લાગુ કરે છે એ સર્વના હિત માટે છે. એમ કહી કોર્ટે ચાર અઠવાડિયાં માટે સુનાવણી મોકૂફ રાખી હતી.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે રસીકરણ ફરજિયાત હોવા વિરુદ્ધ હાઈ કોર્ટમાં કેટલીક અરજી કરવામાં આવી હતી. એના ઉપર મુખ્ય ન્યાયાધીશ દત્તા અને ન્યાયાધીશ કુલકર્ણીની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. એમાં જણાવ્યું હતું કે તહેવારોમાં પ્રતિબંધ હળવા કરાયા તો પણ વધુ કાળજી લેવી જરૂરી છે. લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ હોવી એ મૂળભૂત અધિકાર હોઈ શકે, પણ કેટલાંક નિયંત્રણો પરિસ્થિતિ અનુસાર લાદવામાં આવે છે. તેમ જ કેટલાક નિર્ણય એ ક્ષેત્રના જાણકાર ઉપર છોડવા જરૂરી છે.