ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
વરલીના આલીશાન સમુદ્ર મહેલ ટાવરમાં એક ડુપ્લેક્સ 46.29 કરોડ રૂપિયામાં વેચાયો છે, જેમાં પ્રતિ સ્ક્વૅરફૂટની કિંમત 1.27 લાખ રૂપિયા છે. આ સમુદ્ર મહેલમાં કૉર્પોરેટ જગતના અગ્રણીઓ અને મોટા રાજકારણીઓ રહે છે. એમાં મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સ સર્વિસીઝના સહસ્થાપક અને જૉઇન્ટ મૅનેજિંગ ડાયરેક્ટર રામદેવ અગ્રવાલે 17 અને 18 માળનો એક ડુપ્લેક્સ ખરીદ્યો હોવાની જાણકારી મળી છે.
મળેલી માહિતી અનુસાર રામદેવ અગ્રવાલ અને તેમના પરિવારે 3,638 ચોરસ ફૂટનો ફ્લેટ ખરીદવા માટે 2.39 કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યૂટી ભરી છે. જોકે અગ્રવાલે આ બાબતે કોઈ માહિતી આપી નથી. દસ્તાવેજ પ્રમાણે વરલી ખાતેના સમુદ્ર મહેલના 27 માળના બે ટાવરમાંથી એકમાં 17 અને 18મા માળે આવેલો ડુપ્લેક્સ રામદેવ અગ્રવાલને 46.29 કરોડ રૂપિયામાં વેચાયો છે. ડિસેમ્બર 2020માં મોતીલાલ ઓસ્વાલ પરિવાર ટ્રસ્ટ મુંબઈમાં 13 અને 17મા માળે આવેલા 6,800 ચોરસફૂટના બે ઍપાર્ટમેન્ટ 101 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ગૃહિણીઓની દિવાળી સુધરશે : કાંદાના ભાવ ગગડ્યા, કિલોએ આટલા રૂપિયાનો થયો ઘટાડો; જાણો વિગત
સમુદ્ર મહેલની ખાસિયત એ છે કે ત્યાંથી સમુદ્ર 360 અંશે જોઈ શકાય છે. આ મહેલ એક સમયે ગ્વાલિયરના શાહી પરિવારની માલિકીનો હતો. હાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો A વિંગમાં એક ડુપ્લેક્સ અને ટૅરેસ છે. યસ બૅન્કના સ્થાપક રાણા કપૂરે અહીં ભાડેથી ફ્લૅટ રાખ્યો છે.