ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
મુંબઈના અંધેરી વિસ્તારમાં પોલીસ પાસે એક વિચિત્ર ફરિયાદ આવી હતી. જેમાં બીજાના શ્વાન સાથે પોતાના ફીમેલ શ્વાનની જબરદસ્તીથી મેટિંગ કરાવવા માગતા યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અંધેરી (પૂર્વ)માં રહેતા 42 વર્ષના જસવિંદર અરોડાએ અંધેરી પોલીસ સ્ટેશનમાં રાહુલ સાંવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ રાહુલ તેની ડોગી સાથે જસવિદંરના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે જસવિંદરના પાળેલા કૂતરા સાથે તેની ડોગીની મેટિંગ કરાવવાની માગણી કરી હતી. જસવિંદરે તેને એ માટે ના પાડી દીધી હતી. એથી રાહુલે ઉશ્કેરાઈને ત્યાં જ ગાળાગાળ કરીને ઘરમાં તમાશો કરી દીધો હતો. મામલો વધુ બિચકતાં જસવિંદરે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફરિયાદ કરીને પોલીસને બોલાવી હતી.
જસવિંદરના કહેવા મુજબ તેણે રાહુલ પાસેથી જ હસ્કી પ્રજાતિનો આ શ્વાન એડોપ્ટ કર્યો હતો, પરંતુ આ ડોગી લીધો ત્યારે તે બહુ માંદો હતો. તેણે એની સારવાર કરાવી હતી. જોકે હજી પણ તે વીક છે. મેટિંગ કરી શકે એવી હાલતમાં નથી. ત્યારે રાહુલ જે આ ડોગીનો જૂનો માલિક છે, તે જબરદસ્તીથી પોતાની ડોગી (ફીમેલ) સાથે આ તેના કૂતરાની મેટિંગ કરાવવા માગતો હતો.