ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મોંઘા ભાડાને કારણે એસી લોકલથી મોઢું ફેરવી લેનારા મુંબઈગરા માટે આનંદના સમાચાર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં એસી લોકલના ભાડા ઘટાડવાના સંકેત આપ્યા છે. થાણે અને દિવા રેલવે સ્ટેશન વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનનું ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. એ દરમિયાન રેલવે મંત્રીએ ભાડા ઘટાડવાને લઈને નિવેદન આપ્યું હતું.
BMCની નોટિસથી સમસમી ગયેલા નારાયણ રાણેએ માતોશ્રીને આપી આ ધમકી… જાણો વિગત
રેલવે દ્વારા દોડાવવામાં આવતી એસી લોકલ રેલવે પ્રશાસન માટે સફેદ હાથી પૂરવાર થયો છે. અત્યંત ઊંચા ભાડાને કારણે સામાન્ય પ્રવાસી એસી લોકલમાં પ્રવાસ કરતા નથી. ત્યારે શુક્રવારે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે એસી લોકલના ભાડા ક્યારે ઘટશે તે અંગે પૂછવામાં આવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે "થોડી રાહ જુઓ, અમે મેટ્રોના ભાડા અને અન્ય બાબતોના અભ્યાસ બાદ એસી લોકલના નવા ભાડા જાહેર કરીશું."
હાલમાં, મુંબઈ સેન્ટ્રલ રેલવે, હાર્બર રેલવે અને પશ્ચિમ રેલવે પર કાર્યરત એસી લોકોમોટિવ્સને જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી. તેથી રેલવે બોર્ડ દ્વારા એસી લોકોમોટિવ્સના દર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટિકિટના ભાવ ઘટાડવાથી ઘણાને ફાયદો થશે અને એસી લોકલ મુસાફરોની સંખ્યામાં વધારો થશે એવુ રેલવે પ્રશાસનનું માનવું છે.