ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર
તાપમાનમાં ફેરફારને કારણે દરિયાની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી દરિયા કિનારે આવેલા 12 શહેરો પાણીમાં ડૂબી જવાની આશંકા સેવાઈ રહી છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ તાજેતરમાં ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) રિપોર્ટનો ઉપયોગ કરીને વિશ્વભરમાં દરિયાઈ સ્તરના ફેરફારોનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં ચોંકાવનારા તારણો અપાયા છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જળ-વાયુ પરિવર્તનને કારણે દરિયાકાંઠે આવેલા મુંબઈ સહિત કુલ 12 ભારતીય શહેરો ડૂબી જવાની શક્યતા છે.
મુંબઈ પર સહુથી વધુ ખતરો તોળાઈ રહ્યો છે. દેશના સૌથી વ્યસ્ત શહેરોમાંનું એક મુંબઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જળ વાયુ પરિવર્તનની અસર અને પાણીની અંદર ડૂબી જવાના ભયનો સામનો મુંબઈ કરી રહ્યું છે. મોટાં શહેરો હવામાન પરિવર્તનથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. IPCC રિપોર્ટ સૂચવે છે કે જો વર્તમાન હવામાન વલણ ચાલુ રહેશે તો મુંબઈ 1.9 ફૂટ જેટલું પાણી નીચે જઈ શકે છે. ચેન્નઈ, ભાઉનગર, મોરમુગાવ ઉપરાંત દેશના અન્ય કેટલાક શહેરો એવા છે, જે દરિયામાં ડૂબી જવાની શક્યતા છે. આ શહેરોમાં તૂતીકોરિન જે 1.9 ફૂટ પાણી નીચે જઈ શકે છે, ખિદિરપુર 0.49 ફૂટ, પારાદીપ 1.93 ફૂટ, ઓખા 1.96 ફૂટ, વિશાખાપટ્ટનમ 1.77 ફૂટ અને કંડલા 1.87 ફૂટ જેટલું પાણીમાં સમાઈ શકે છે.