ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
અદાણી ગ્રુપે મુંબઈ ઍરપૉર્ટના સંચાલનનું સુકાન સંભાળ્યા બાદ સમાચાર વહેતા થયા હતા કે હવે અદાણી ગ્રુપે ઍરપૉર્ટના હેડક્વાર્ટરને મુંબઈથી અમદાવાદ સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ બાદમાં અદાણી ગ્રુપે ટ્વીટ કરી આ સમાચારને રદિયો આપ્યો હતો. જોકેસમાચાર આવતાંની સાથે રાજકીય વાવાઝોડું ખડું થવાની શરૂઆત થઈ ગઈ હતી.
દરમિયાન સૌપ્રથમ ઉગ્ર નિવેદન રાજઠાકરેની પાર્ટી MNSએ આપ્યું હતું. મનસે (MNS)ના નેતા નીતિન સરદેસાઈએ મીડિયાને કહ્યું હતું કે “ઍરપૉર્ટ મુંબઈમાં જ છે માત્ર સંચાલનનો અધિકાર અદાણી ગ્રુપ પાસે ગયો છે. જો અમને ચિડાવવા માટે કોઈ ગરબા કરશે તો અમે પણ ઝિંગાટ કરીશું.” ત્યાર બાદ કૉન્ગ્રેસ પણ આ મામલે પાછળ રહી ન હતી. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે “અમે મુંબઈ ઍરપૉર્ટના હેડક્વાર્ટરને મહારાષ્ટ્રના હકમાંથી છીનવવા દઈશું નહિ. આ નિર્ણય વિરુદ્ધ આંદોલન કરીશું.”
તો શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ આ બાબતે ચીમકી ઉચ્ચારી હતી. રાઉતે મીડિયાને કહ્યું હતું કે “મુંબઈ ઍરપૉર્ટનું નામ છત્રપતિ શિવાજી મહારાજ છે. આ મહારાષ્ટ્રની રાજધાનીમાં છે. જો કોઈ કંઈ કરવાનું વિચારી રહ્યું હોય તો છત્રપતિ શિવાજી મહારાજનું નામ વાંચી લે.”
આમ અદાણી ઍરપૉર્ટ જ્યાં સુધી GVK નામની મલ્ટિનૅશનલ કંપની પાસે હતું, ત્યાં સુધી કોઈપણ પક્ષે આંગળી ઊંચકી ન હતી, પરંતુ એક ભારતીય અને ગુજરાતી માણસના હાથમાં આવતાં આ તમામ રાજકીય પક્ષોનું મોઢું દીવેલ પીધેલા જેવું થઈ જાય છે. એથી જ તેઓ આવા નિવેદન આપે છે.