ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
કોરોનાથી હજી છુટકારો મળ્યો નથી ત્યાં હવે મુંબઈમાં ઇન્ફ્લૂન્ઝા H1,N1 (સ્વાઇન ફ્લૂ)એ દસ્તક દીધી છે. એમાં પણ પાછું કોરોના અને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો એક સરખાં હોય છે. એથી દર્દીને સારવાર આપવાને લઈને ડૉક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. મુંબઈમાં બે કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ બંનેનાં લક્ષણો સરખાં હોવાથી દર્દી કોરોનાની સારવારને પ્રતિસાદ આપતો ન હોય તો એને સ્વાઇન ફ્લૂ હોઈ શકે છે.
હાલમાં જ મુંબઈમાં બે દર્દીએ તાવ, શરદી અને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. એમાં 30 વર્ષનો દર્દી હાલમાં જ કોરોનાથી સાજો થયો હતો. સામાન્ય રીતે એક વખત કોરોના થયા બાદ 90 દિવસ સુધી ફરી પાછો એ થતો નથી. આ દર્દીના સેમ્પલ સ્વાઇનફ્લૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૉઝિટિવ જણાયો હતો. બીજો એક પણ કેસ સ્વાઇન ફ્લૂનો નીકળ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ મુંબઈમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી બે કેસ નોંધાયા છે. ગયા વર્ષે સ્વાઇનફ્લૂના 44 તો 2019માં સ્વાઇનફ્લૂના 451 કેસ અને પાંચ મૃત્યુ થયાં હતાં.
સાવધાન! મુંબઈમાં દસ્તક થઈ ગઈ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વાયરસની
કોવિડ-19 અને સ્વાઇન ફ્લૂ બંને શ્વાસોશ્વાસને લગતી બીમારી છે. બંને બીમારીમાં સમયસર નિદાન થવું આવશ્યક છે. બંનેનાં બીમારીનાં લક્ષણો સરખાં છે, પણ વાયરસ અલગ-અલગ છે.