ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જૂન 2021
બુધવાર
મુંબઈના કાંદિવલી પરામાં હાઉસિંગ સોસાયટીમાં રાખવામાં આવેલા વેક્સિનેશન કૅમ્પમાં સોસાયટીના સભ્યો સાથે વેક્સિનના નામે છેતરપિંડીની થવાની વિગત બહાર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા હરકતમાં આવી ગઈ છે. એક તરફ પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે તો બીજી તરફ પાલિકા પ્રશાસને તાત્કાલિક ધોરણે આ બનાવની તપાસ કરવાનો આદેશ આપી દીધો છે અને 48 કલાકમાં એનો અહેવાલ બહાર પાડવાની છે.
હીરાનંદાની હેરિટેજમાં 30 મેના વેક્સિનેશન કૅમ્પમાં અનેક ગડબડો હોવાની ફરિયાદ સોસાયટીના સભ્યોએ કરી હતી. સોસાયટીના સભ્યોના કહેવા મુજબ તેઓને પહેલાંથી થોડી શંકા ગઈ હતી. તેમનાં નામ કોવિન ઍપમાં નહોતાં તેમ જ તેમને વેક્સિન લેતાં સમયે ફોટો લેવાની પણ ના પાડવામાં આવી હતી. એટલું જ નહીં, પહેલા ડોઝનાં સર્ટિફિકેટ પણ અલગ-અલગ હૉસ્પિટલનાં મળ્યાં હતાં. એથી તેમની શંકા વધુ મજબૂત બની હતી. સોસાયટીના સભ્યોએ તેમની સાથે થયેલી છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ તો નોંધાવી દીધી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના અને મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાની પૉલિસી સામે નારાજગી વ્યક્ત કરી છે. ફક્ત કાંદિવલીની જ નહીં, પરંતુ મુંબઈની આવી અનેક હાઉસિંગ સોસાયટીઓ વેક્સિનેશનમાં આ પ્રકારના ફ્રૉડનો ભોગ બની ચૂકી હોવાનું ધીમે-ધીમે સામે આવી રહ્યુ છે.
કાંદિવલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે મુંબઈમાં મોટા પ્રમાણમાં આવા વેક્સિનેશન કૅમ્પના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વેક્સિનની અછત હોવાથી પાલિકાની હૉસ્પિટલમાં વેક્સિન નથી મળતી. એથી લોકો ખાનગી હૉસ્પિટલ મારફત વેક્સિનેશન માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવી આખી એક ટોળકી જ આવા કામ કરી રહી છે જે વેક્સિન આપવાને નામે લોકોને ઠગી રહી છે. એમાં બહુ ઉપર સુધી લોકો સંકળાયેલા હોવાની શંકા છે. કારણ કે વેક્સિનેશન કૅમ્પ રાખ્યા બાદ આ લોકો મોટી-મોટી હૉસ્પિટલ જ નહીં, પણ પાલિકાના સેન્ટરમાં વેક્સિન લીધી હોવાનાં સર્ટિફિકેટ પણ આપી રહ્યા છે.
કાંદિવલીમાં થયું ફ્રોડ વેક્સિનેશન. જોરદાર હંગામો. લોકોને વેક્સિનની જગ્યાએ આપ્યું શું? સૌથી મોટો સવાલ
આ ચોંકાવનારા બનાવ બાદ જોકે મુંબઈ મહાનગર પાલિકા જાગી છે. એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે પૂરા બનાવની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 48 કલાકમાં તેનો અહેવાલ આવશે. જોકે અમે હંમેશાથી કહેતા આવ્યા છે અને એ મુજબની માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી કે સોસાયટી જે પણ હોસ્પિટલ સાથે વેક્સિન માટે ટાઈ-અપ કરતી હોય તેની સાથે લેખિત કરાર કરે. ખાનગી હોસ્પિટલ સાથે ટાઈ અપ કરવા પાલિકાની મંજૂરીની આવશ્યકતા નથી પણ તેની જાણ પાલિકાને કરવી આવશ્યક છે. તેથી જો ભવિષ્યમાં આવી છેતરપીંડી કરી હોવાનું જણાય તો પાલિકા તાત્કાલિક પગલાં ભરી શકે.